શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસે તાત્કાલિક અસરથી પોતાની સરકારને તો બચાવી લીધી છે. પરંતુ તેની સામે હવે સૌથી મોટું સંકટ લોકસભાની ચૂંટણી છે, કારણ કે 6 બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી બાદ તેમના પ્રભાવવાળા વિસ્તારો પર પાર્ટીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
હિમાચલ પ્રદેશની રાજનીતિ પર પકડ ધરાવનારા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોંગ્રેસની અંદર આવેલા આ સંકટની અસર કેટલાક લોકસભા મતવિસ્તારો પર જોવા મળવાની શક્યતા છે.
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી વિરુદ્ધ વોટિંગ કરનારા પાર્ટીના 6 બળવાખોર ધારાસભ્યોમાંથી ચારની વિધાનસભા બેઠકો હમીરપુર લોકસભા બેઠક અંતર્ગત આવે છે.
આ ચારેય ધારાસભ્યોના નામ રાજેન્દ્ર રાણા, ઈંદર દત્ત લખનપાલ, ચૈતન્ય શર્મા અને દેવેન્દ્ર ભુટ્ટો છે. હાલ હમીરપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર કરી રહ્યા છે. ગત વખત ઠાકુરને અહીં 68.81 ટકા વોટ મળ્યા હતા. તેવામાં અહીં ચાર-ચાર ધારાસભ્યોની નારાજગી કોંગ્રેસને આ વખતે ભારે પડવાની શક્યતા છે.
કાંગડા લોકસભા બેઠકનું શું થશે?
આ પ્રકારે સુધીર શર્માનો મતવિસ્તાર ધર્મશાલા, કાંગડા લોકસભા બેઠકમાં આવે છે. અહીં ભાજપના ઉમેદવાર કિશન કપૂરને 2019માં 71.84 ટકા વોટ મળ્યા હતા. સુધીર શર્માને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 45 ટકા વોટ મળ્યા હતા. તેમનું ભાજપના ખેમા તરફ ઝુકવું, કોઈપણ પ્રકારે કોંગ્રેસના રાજકીય સ્વાસ્થ્ય માટે ઠીક માનવામાં આવતું નથી.
જાણકારોનું માનવું છે કે ત્રણ વખતના ધારાસભ્ય રાજેન્દ્ર રાણા અને ચાર વખતના ધારાસભ્ય સુધીર શર્મા પોતપોતના વિસ્તારમાં ઘણાં પ્રભાવશાળી છે અને તેના કારણે કોંગ્રેસને નુકશાન થવાની આશંકા વધી શકે છે.
મંડીમાં પણ કોંગ્રેસની મુશ્કેલી વધવાની શક્યતા-
આ પ્રકારે છઠ્ઠા બળવાખોર રવિ ઠાકુર લાહૌલ-સ્પીતિની અનામત વિધાનસભા બેઠક પર 52.91 ટકા વોટ લઈને જીત્યા હતા. આ વિધાનસભા મંડી લોકસભા બેઠકનો હિસ્સો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીં 68.91 ટકા વોટ મળ્યા હતા. પરંતુ આ બેઠક પર 2021માં થયેલી પેટાચૂંટણીમાં રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ જીત્યા હતા.
ખુદ પ્રતિભા સિંહે ગુરુવારે કહ્યું હતું કે બળવાખોરોને અયોગ્ય ઠેરવવાથી સામાન્ય ચૂંટણીઓ પર અસર પડશે. હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર હરીશ ઠાકુરે પણ કહ્યું છે કે પોતાના ઘરને સાચવીની નહીં શકવાની ઘણી દૂરગામી અસર પડશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબારે તેમને ટાંકીને કહ્યુ છે કે આ ભાજપ માટે ફાયદાકારક છે. પરંતુ ધારાસભ્ય પોતાના મુખ્યમંત્રીથી ખુશ નથી, તો તેનાથી મતદાતાઓને ખોટો સંકેત જાય છે. આ સંગઠનની નિષ્ફળતાના પણ સંકેત છે અને ચૂંટણીઓમાં પાર્ટી માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો કે તેમણે આનાથી બળવાખોરોને નુકસાન થવાની આશંકાથી પણ ઈન્કાર કર્યો નથી.
આ યુનિવર્સિટીના એક રાજકીય વિશ્લેષક પ્રોફેસર રમેશ કે. ચૌહાન પ્રમામે, કોંગ્રેસના ઝઘડાથી ભાજપને ફાયદો થશે. તેમના પ્રમાણે, કોંગ્રેસની અંદર નેતૃત્વની નિષ્ફળતા, ધારાસભ્યોમાં નારાજગી, મુખ્યમંત્રી અને ધારાસભ્યોમાં સંવેદનહીનતાથી ભાજપને ફાયદો થશે. લાગી તો એ રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન પણ હિમાચલની જમીની સચ્ચાઈથી અજાણ રહ્યું.
રાજનીતિના જાણકારો પ્રમાણે, આ સંકટનું કારણ કોંગ્રેસની અંદર વીરભદ્ર જૂથનો દબદબો વધવો, તેનાથી ટિકિટ વહેંચણીમાં તેમનું વધુ ચાલવાની શક્યતા છે.
રાજકીય વિશ્લેષક મુજબ, કોંગ્રેસ હાઈકમૈાને જે પ્રકારે શિમલા પર નિયંત્રણ માટે વિક્રમાદિત્યસિંહને ખુશ કરવાની કોશિશ કરી છે, તેનાથી લાગે છે કે હિમાચલની રાજનીતિમાં તેમનું કેટલું મહત્વ છે. હાલની સ્થિતિઓમાં વીરભદ્ર જૂથ નિશ્ચિતપણે સુક્ખૂ કેમ્પ પર હાવી થશે. લોકસભા ચૂંઠણીમાં ટિકિટ વહેંચણીમાં તેમની ઘણી મોટી ભૂમિકા હોવાની શક્યતા છે.
2014 અને 2019 બંને લોકસભા ચૂંટણીઓમાં ભાજપ હિમાચલ પ્રદેશની ચારે બેઠકો શિમલા, હમીરપુર, કાંગડા અને મંડી જીતી હતી. માત્ર 2021માં મંડી લોકસભા પેટાચૂંટણીમાં પ્રતિભાસિંહને સહાનુભૂતિ વોટનો ફાયદો થયો હતો અને તેઓ લોકસભા પહોંચ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી અને તેણે હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવી હતી.