‘કોંગ્રેસ પાકિસ્તાન અને આતંકવાદીઓ માટે ડિફેન્ડર બની ગઈ’, મણિશંકર ઐયરના નિવેદન પર ભાજપના પ્રહાર
નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન તરફી પ્રેમ દર્શાવતું નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું છે કે, કોંગ્રેસ પાકિસ્તાનનું પીઆર કરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકવાદીઓને બચાવી રહી છે. મણિશંકર ઐયર અને સામ પિત્રોડાના નિવેદન કોંગ્રેસના વિચારોને લઈને એક પેટર્ન દર્શાવે છે. મણિશંકર ઐયરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ, કેમ કે તેમની પાસે પણ પરમાણુ હથિયાર છે.
તાજેતરમાં પાકિસ્તાનને લઈને કોંગ્રેસના સહયોગી દળના નેતા ફારુક અબ્દુલાએ પણ પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાની વાત કરી હતી. કોંગ્રેસ સાથે જોડાયેલી કાશ્મીરી પાર્ટીના સિનિયર નેતા અબ્દુલાના નિવેદન બાદ હવે કોંગ્રેસના વધુ એક સિનિયર નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન તરફી પોતાનો પ્રેમ જાહેર કર્યો છે. જ્યારે તાજેતરમાં જ કોંગ્રેસના વધુ એક સિનિયર નેતા સામ પિત્રોડાએ પણ ભારતની પ્રજાને લઈને વિવાદીત નિવેદન કર્યું હતું. એટલું જ નહીં ભારતની પ્રજાને લઈને નિવેદન કરતા પૂર્વે પિત્રોડાએ ભારતમાં પણ અમેરિકાની જેમ વારસાયી કરની ભલામણ કરી હતી.
દેશમાં હાલ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને ચૂંટણી પ્રચાર પ્રસારમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. તાજેતરમાં જ પાકિસ્તાનના એક પૂર્વ મંત્રીએ ભારતની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની જીત માટે દુઆ માગી હતી. એટલું જ નહીં તેમણે રાહુલ ગાંધીને પંડિત નહેરુ સાથે સરખાવી લીધા હતા. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.