ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સાત કાર્યકારી પ્રમુખોને સોંપી મહત્વની જવાબદારી
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો હાલ ભાજપ પાસે છે. ત્યારે કોંગ્રેસે પણ મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવીને કેટલીક બેઠકો પર જીતની રણનીતિ ઘડી કાઢી છે. પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા 26 લોકસભા બેઠકોની પૂર્વ પ્રદેશ પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ હવે પ્રદેશ કોંગ્રેસના સાત કાર્યકારી પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ કૉંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલને સૌથી વધુ 5 બેઠકની જવાબદારી સોંપાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે લલિત કગથરાને સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી અને જામનગર બેઠકની જવાબદારી સોંપાઈ છે. તથા જિગ્નેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલને ખેડા, આણંદ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ છે. તેમજ અંબરીશ ડેરને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઋત્વિક મકવાણાને નવસારી, સુરત, વલસાડ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. કદીર પીરઝાદાને ભરૂચ, વડોદરા અને બારડોલી બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પ્રદેશ કોંગ્રસના પ્રભારી મુકુલ વાસનિકે તાજેતરમાં જ પ્રદેશના તમામ નેતાઓ સાથે બેઠક યોજીને તમામ જિલ્લાઓનો ફીડબેક મેળવ્યો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ચર્ચા કર્યા બાદ કાર્યકારી પ્રમુખોને વિવિધ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.