બેંગ્લોરઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપાની સામે કોંગ્રેસ સહિત 24 જેટલા વિપક્ષી પક્ષોના નેતાઓની બેંગ્લોરમાં બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી.
મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની ચાલી રહેલી બેઠકના બીજા દિવસે કહ્યું કે, કોંગ્રેસને સત્તા અથવા વડા પ્રધાન પદમાં રસ નથી. બેંગલુરુમાં સંયુક્ત વિપક્ષની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અમે અહીં 26 પક્ષો છીએ.” આજે અમે 11 રાજ્યોમાં સાથે મળીને સરકારમાં છીએ. એકલા ભાજપને 303 બેઠકો મળી નથી. ભાજપાએ તેના સાથીઓના મતનો ઉપયોગ કર્યો અને સત્તામાં આવ્યા બાદ તેમને છોડી દીધા હતા. આજે ભાજપ અધ્યક્ષ અને તેમના નેતાઓ તેમના જૂના સાથીઓ સાથે સમાધાન કરવા માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં દોડી રહ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાતની સ્થાનિક અદાલતે મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીને લોકસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી. થોડા દિવસો પછી, તેમના સાંસદ નિવાસસ્થાન પણ કોંગ્રેસ નેતા પાસેથી ખાલી કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે નીચલી કોર્ટના આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી શકી ન હતી. આ પછી હવે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીની તારીખ 21 જુલાઈ નક્કી કરી છે. જો રાહુલ ગાંધીની અરજી પર નિર્ણય તેમના પક્ષમાં નહીં આવે તો તેમના માટે 2024માં લોકસભાની ચૂંટણી લડવી શક્ય નથી.