કોંગ્રેસ પાસે નથી કોઈ નીતિ, નિયત અને નેતાઃ અમિત શાહ
ભીલવાડાઃ શારપુર જિલ્લાના શકરગઢ ગામમાં શનિવારે ભીલવાડા સંસદીય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર દામોદર અગ્રવાલના સમર્થનમાં ભાજપની ચૂંટણી મહાસંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, રાજસ્થાનની તમામ બેઠકો ઉપર ભાજપ જીતી રહ્યું છે જેમાં કોઈ શંકા નથી. ભીલવાડા મતદાન વિસ્તારમાં જંગી લીડ સાથે ભાજપા જીત મેળવશે.
રાજસ્થાનના પૂર્વ સીએમ ગહેલોત ઉપર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, અશોક ગહેલોત માત્ર દીકરા માટે જ કામ કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં રામલલાના દર્શન નહીં કરનારને જનતા માફ નહીં કરે. કોંગ્રેસે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં આવીને જનતાનું અપમાન કર્યું છે.
વર્ષ 2047માં વિકસિત ભારત બનાવવા માટે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની હાકલ કરતાં અમિત શાહે કહ્યું કે, રાજસ્થાનની જેમ આ વખતે પણ સમગ્ર દેશમાં ભાજપ જંગી બહુમતી સાથે ચૂંટણી જીતી રહ્યું છે. અમિત શાહે કહ્યું કે, રાજસ્થાન ભાજપને 25માંથી 25 બેઠકો આપવા જઈ રહ્યું છે. અશોક ગેહલોતનો પુત્ર પણ મોટા માર્જિનથી હારી રહ્યો છે.
અમિત શાહે કહ્યું કે, મોદીએ દેશને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. મોદીએ 10 વર્ષમાં ભારતને 11મા ક્રમની અર્થવ્યવસ્થામાંથી 5મા સ્થાને લઈ ગયા. નરેન્દ્ર મોદીએ સૌથી મોટું કામ 80 કરોડ લોકોને મફત રાશન આપવાનું હતું. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપા અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે.