ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સતના પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતનો જય જયકાર સંભળાઈ રહ્યો છે અને કોંગ્રેસનો ફુગ્ગો ફુટી ગયો છે.
રેલીને સંબોધતા તેમણે કહ્યું, “રામ મંદિર બની રહ્યું છે અને સમગ્ર દેશમાં તેની ચર્ચા ચાલી રહી છે. હવે દરેકના વિકાસનો સમય આવી ગયો છે. એમપીમાં ગરીબો માટે લાખો મકાનો બનાવવામાં આવ્યા છે. મોદી મકાનો આપવાની બાંહેધરી આપે છે. મધ્યપ્રદેશમાં વિકાસના દરેક કામમાં કોંગ્રેસ અડચણ ઉભી કરે છે. આમ કોંગ્રેસે રાજ્યને અંધારા કૂવામાં ધકેલી દીધું.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, “આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. તમારા વોટથી દેશનો દુશ્મન નિરાશ છે. કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફુટી ગયો છે. કોંગ્રેસ પાસે મધ્યપ્રદેશના વિકાસ માટે કોઈ રોડમેપ નથી. કોંગ્રેસ થાકેલી અને હારેલી જોવા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હાલ હું જ્યાં પણ જાવ છું ત્યાં માત્ર રામ મંદિરના નિર્માણની ચર્ચાઓ થઈ રહી છે. ચારેય તરફ ખુશીની લહેર જોવા મળે છે. હવે રોકાવાનું નથી, થાકવાનું નથી અને આરામ કરવાનો સવાલ જ ઉભો થતો નથી.
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને શિવરાજ સિંહ ચૌહાણ સહિતના ભાજપના સ્ટાર પ્રચારકો અંતિમ તબક્કાના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.