નવી દિલ્હીઃ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. બંને રાજ્યમાં વિજેતા બનેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તરપ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આગામી વર્ષે દિલ્હી સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમ છતા કોંગ્રેસે અત્યારથી તમામ ફોકસ અત્યારથી ઉત્તરપ્રદેશ ઉપર અત્યારથી કરવાનું શરૂ કરી દીધું છે. એવુ કહેવાય છે કે, દિલ્હી જવાનો માર્ગ ઉત્તરપ્રદેશથી નીકળે છે, એટલે અત્યારથી જ કોંગ્રેસે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.
લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસને મળેલી સંજીવની બાદ હવે પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણી માટે પોતાની રણનીતિને વધુ તેજ બનાવવામાં વ્યસ્ત બની છે. કોંગ્રેસે 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પીચની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી રાજ્યની વિધાનસભા બેઠકોને ત્રણ ભાગમાં વહેંચીને રાજકીય તૈયારીઓ કરવા જઈ રહી છે. પ્રથમ પસંદગીમાં 200 બેઠકો અને બીજી પસંદગીમાં 150 બેઠકો રાખવામાં આવી છે. ત્રીજી પ્રાથમિકતા પર રાખીને અન્ય બેઠકો પર કામ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ 6 અને સમાજવાદી પાર્ટીએ 37 સીટો પર જીત મેળવી હતી. જો કે કોંગ્રેસ અને સપાનો આ જાદુ ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં ચાલી શક્યો નથી. યુપીની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનને માત્ર સિસામાઉ અને કરહાલ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. સપાએ પેટાચૂંટણીમાં કોંગ્રેસને બે સીટોની ઓફર કરી હતી, જેનાથી નારાજ કોંગ્રેસે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બંને પક્ષો ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 એકસાથે લડશે કે નહીં તે તો ભવિષ્ય જ કહેશે, પરંતુ બંને પક્ષો નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરીને બેઠકોની પસંદગી કરશે. પક્ષની બેઠકોની પસંદગી કોંગ્રેસને મળેલા મત અને છેલ્લી પાંચ ચૂંટણીમાં અન્ય પક્ષોને મળેલા મતોના મૂલ્યાંકન, મત મેળવવાના કારણો અને સંબંધિત બેઠક પરના હાલના જ્ઞાતિ સમીકરણના અભ્યાસના આધારે કરવામાં આવશે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવશે. તેમજ સંસ્થાને સક્રિય કરવામાં આવી રહી છે. પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. અજય રાયના જણાવ્યા અનુસાર, તે 200 બેઠકો પર વધુ પ્રયત્નો કરવામાં આવશે જે પાર્ટી માટે ફાયદાકારક રહેશે. જનતાનો સંપૂર્ણ સહયોગ છે, 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉભરી આવશે અને કોઈપણ સંજોગોમાં ભાજપને હરાવી દેશે.