રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરવા મુખ્યમંત્રીને કોંગ્રેસની રજુઆત
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા 1લી જાન્યુઆરી 2004થી નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ જે 2004 બાદ ભરતી થયેલા છે, તેમને જુની પેન્શન યોજનાનો લાભ મળવાનો નથી. કર્મચારીઓને મોટુ નુકશાન થશે. તેથી રાજસ્થામ અને મહારાષ્ટ્રની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ માગણી કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જુની પેન્શન યોજના લાગુ કરી કર્મચારીઓને ન્યાય આપવા માટે માંગણી કરી છે. મુખ્યમંત્રીને લખેલ પત્રમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓના હિત અને માંગણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની અશોક ગહેલોતની આગેવાની વાળી કોંગ્રેસ સરકારે 1 જાન્યૂઆરી, 2004 પહેલાની જૂની પેન્શન યોજના લાગુ કરીને રાજ્યના સરકારી કર્મચારીઓના ભવિષ્યને પેન્શનથી સુરક્ષિત કરવાનો પ્રશંસનીય નિર્ણય લીધો છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી યોજનાઓના પ્રમોશન અને સરકારી કાર્યક્રમોના આયોજન કરીને આ કાર્યક્રમના રાજકીય લાભ મેળવવા પાછળ બેફામ ખર્ચ થાય છે. પરંતુ જે કર્મચારીઓ સરકાર અને સરકારી વહિવટ ચલાવે છે તેમને નિવૃત્તિ બાદ આર્થિક આત્મનિર્ભરતાનો હક આપવામાં ઉભી ઉતરી રહી છે. એટલે રાજસ્થાન સરકારના નિર્ણયમાંથી પ્રેરણા લઈને ગુજરાત સરકારે પણ આપણા રાજ્યના સરકારી કર્મચારીઓની માંગણી અને હિતને ધ્યાનમાં રાખી 1 જાન્યૂઆરી, 2004 પહેલાની જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે સકારાત્મક વિચાર કરવો જોઈએ.
તેમણે ઉમેર્યુ હતું કે, સરકારી કર્મચારીઓ પોતાના જીવનના 30થી 40 વર્ષ જેટલો કિમતી સમય પોતાની ફરજમાં આપે છે. તેમને નિવૃત્તિ બાદ આર્થિક આત્મનિર્ભરતાનો હક છે. 1 જાન્યૂઆરી, 2004 પહેલા જેઓ સરકારી નોકરીમાં જોડાયા હતા તેવા કર્મચારીઓને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા મળી રહે તે માટે પેન્શન ચુકવવામાં આવતું હતું. આ પેન્શન તેમની સેવા પર આધારિત ન હતું પરંતુ નિવૃત્તિ સમયે કર્મચારીના પગાર પર આધારિત હતું. આ યોજના હેઠળ નિવૃત કર્મચારીના મૃત્યુ બાદ તેમના પરિવારના સભ્યોને પણ પેન્શનની સુવિધાનો લાભ મળવાપાત્ર હતો. જેની મદદથી સરકારી કર્મચારી નિવૃત્તિ બાદ પોતાના પરિવાર સાથે માનભેર જીવન નિર્વાહ કરવા માટે સક્ષમ હતા.
મોઢવાડિયાએ નવી પેન્શન યોજનાની ખામીઓ અંગે જણાવ્યું હતું કે 1 જાન્યૂઆરી, 2004થી લાગુ કરવામાં આવેલી નવી પેન્શન યોજનામાં કર્મચારીના બેઝીક પગાર અને મોંઘવારી ભથ્થાની 10% રકમ પગારમાંથી કાપી વિવિધ પેન્શન આધારિત ફંડમાં રોકાણ કરવામાં આવે છે. કર્મચારીની નિવૃતિ બાદ તમામ રકમ તથા રકમ પર મળતું રિટર્ન ઉમેરી કર્મચારીઓને પેન્શન અપાય છે. આ ફંડ સરકાર જુદી જુદી સ્કીમમા રોકાણ કરે છે. જે માર્કેટ પર નિર્ભર છે. જેનું કોઈ ભવિષ્ય નથી. ઘણીવાર બજારમા ઉથલપાથલ થાય તો કર્મચારીઓ ના રોકાયેલ નાણા ધોવાય જાય છે. જે ખુબજ ગંભીર બાબત છે.
આ નવી પેન્શન યોજનામાં નિવૃત્તિ સમયે નજીવુ પેન્શન પ્રાપ્ત થાય છે, જેનાથી જીવન ગુજારો કરવો અઘરો છે. જે સરકારી કર્મચારી પોતાના જીવનના 30થી 40 વર્ષ પોતાની સેવા બજાવે તેને છેલ્લે જીવન નિર્વાહ માટે પેન્શનના મળે તો તે હળાહળ અન્યાય છે. જેથી સરકારી કર્મચારીઓના હિતમાં આપ પણ રાજસ્થાન સરકારની જેમ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા સબંધીત હકારાત્મક નિર્ણય લો તે ઇચ્છનીય છે.