‘કોંગ્રેસ તમારી કમાણી અને અનામત પર નજર રાખી રહી છે’ મધ્યપ્રદેશમાં રેલીને સંબોધતા વડાપ્રધાને કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ PM નરેન્દ્ર મોદી આજે મતદાન કર્યા બાદ ગુજરાતથી સીધા મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અહીં ખરગોન જિલ્લામાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી શકે છે. આવું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ દરેક તબક્કે દેખાય છે. કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દર્શાવીને ચોક્કસ સમુદાયની વોટબેંક મજબૂત કરવા માંગે છે.
‘વોટ જેહાદ ચાલશે કે રામરાજ ચાલશે તે તમે નક્કી કરોઃ PM
પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસના નેતાની બેશરમી જુઓ… તેઓ કહે છે કે મુંબઈ હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નહોતો. અમે કોંગ્રેસના શહેજાદાને પૂછવા માંગીએ છીએ કે, તમારા સાથીદારો શું કહે છે? વડાપ્રધાને કહ્યું કે હવે તમારે નક્કી કરવાનું છે કે ભારતમાં વોટ જેહાદ ચાલુ રહેશે કે રામરાજ ચાલુ રહેશે.
કોંગ્રેસ તમારી કમાણી અને અનામત પર નજર રાખી રહી છેઃ PM
પીએમ મોદી અહીં જ ન અટક્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ તમારી કમાણી અને તમારી અનામત પર નજર રાખી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસે ઓબીસીને મુસ્લિમ બનાવી દીધા છે. ઇન્ડિયા ગઠબંધનના સભ્યો પોતપોતાના વારસાને બચાવવા ચૂંટણી લડી રહ્યા છે. ‘ઇન્ડિયા’ ગઠબંધનના લોકો માટે એક કહેવત છે.. અપના કામ બનતા, ભાડમેં જાએ જનતા.
કોંગ્રેસના ઈરાદા ભયાનક અને ષડયંત્ર ખતરનાકઃ PM
પીએમે કહ્યું, “પાકિસ્તાનમાં આતંકવાદીઓ જેહાદની ધમકી આપી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના લોકોએ મોદી વિરુદ્ધ જેહાદને મત આપવાની જાહેરાત કરી છે. એક ખાસ સમુદાયને વોટ જેહાદ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ઈરાદા ભયંકર છે અને ષડયંત્ર ખતરનાક છે. તમારા એક મતે ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલ્યા. અત્યારે તે ટ્રેલર છે, હજુ ઘણું કરવાનું બાકી છે.”