અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ભરતી મેળો યોજીને કોંગ્રેસ અને આમ આદમીના નારાજ કેટલાક નેતાઓ, કાર્યકરોને ભાજપમાં સમાવી રહ્યા છે. આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે ભાજપને વિધિવત ખેસ ધારણ કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. જયરાજસિંહ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા.કમલમ પર જયરાજસિંહ સાથે એક હજાર કરતાં વધુ સમર્થકો આવતાં મેદાન નાનું પડ્યું અને ખુરશીઓ ખૂટી પડી હતી. ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવીને જયરાજસિંહનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જયરાજસિંહ પરમારને આવકારતા જણાવ્યું હતું કે, જયરાજસિંહ આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે.કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.નક્કી કર્યું હતું કે કોગેસમાંથી કોઈને લાવવા નહિ.પણ હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં. અમારા બીજા નેતાઓએ કહ્યું કે આપણે તેમને લેવા જોઈએ.મેં જયરાજને પૂછ્યું કોઈ એપક્ષા છે તો તેમણે ચૂંટણી લડવામાં રસ નથી એવું જણાવ્યું હતું. હવે તેમના માટે પાર્ટી નક્કી કરશે તેમને શુ જવાબદારીઓ સોંપવી.
જયરાજસિંહે જણાવ્યુ હતું કે,પહેલા જમાન હતો કે રાજનો દીકરો રાજા થતો, આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. અત્યારે રક્તનું ટીપું ના પડ્યું હોય અને આખી સત્તા બદલાય એનું નામ લોકશાહી છે. રાજનીતિ એ સેવાનો વિષય છે, આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો. નેશન ફર્સ્ટ. જે કાર્યકર્તા પ્રજા સાથેનો નાતો તૂટી જાય છે. હું નેતા પણ કોના નેતા એતો કહો. આ મંચ આ રાષ્ટ્રવાદી મંચની ઉપર એવો શું કામ આપણો સમય વેડફી નાંખીએ જેટલો સમય આપણે રાષ્ટ્રનિર્માણ માટે વાપરી શકીએ. મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને ભાજપ સમક્ષ આવ્યો છું.જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું. અબ તો તૂફાન હી કરેલા ફેંસલા રોશની કા, દીયા વહીં જલેગા જીસમે દમ હોગા.
જયરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, હું 14 વર્ષનો હતો ત્યારથી કોંગ્રેસની સેવા કરી.ત્યારે વિચારધારા શુ હોય એ ખબર ન હતી.તેના મૂલ્યો સાચવવાનો પ્રયાસ કર્યો છે.સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો અને છેવડાના માણસ સુધી પહોંચે તે માટે કામ કર્યું છે. અનેક વખત ખૂબ તાકાતથી કામ કર્યું છે.પાર્ટીની સિસ્ટમ સામે વિરોધ હતો કોઈ વ્યક્તિગત સમસ્યા નહોતી. મેં 37 વર્ષ કોંગ્રેસમાં કાઢ્યા છે પણ પાવર તો બાય પ્રોડક્ટ છે. કોંગ્રેસની સિસ્ટમમાં જીતવાની શક્તિ મરી ગઈ છે. ત્યાં કાર્યકરોનું શોષણ થાય છે. 20 વર્ષથી ચૂંટણી જીતી ન શકતા લોકો અમને સલાહ આપે છે કે ચૂંટણી કઈ રીતે જીતી શકાય. ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે જયરાજસિંહ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા છે. તેઓ પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ.