Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો, ગોવા રબારી પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ગોવા રબારીની સાથે તેમના 200થી વધારે કાર્યકરો પણ ભાજપમાં જોડાયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમજ તેઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. દરમિયાન બનાસકાંઠાના સિનિયર નેતા ગોવા રબારીની સાથે તેમનો પુત્ર સંજય રબારી પણ ભાજપમાં જોડાયો છે, આ ઉપરાંત થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરો, તેમજ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ડીસા શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ગોવા રબારીની સાથે 200 જેટલા કાર્યકરો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ગોવાભાઈ ભાજપના સાંસદ, ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી 35 વર્ષથી કોંગ્રેસમાં હતા. ગોવા રબારીએ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસની સ્થિતિ કથળી હોવાથી લોકસેવાના કામો સંતોષપૂર્વક રીતે થઈ શકતા નથી. પીએમ મોદીની કામગીરીની પ્રભાવિત થઈને ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યાનું જણાવીને ગોવા રબારીએ ભાજપના સિનિયર નેતાઓ અને સીઆર પાટીલની પ્રશંસા કરી હતી.