કોંગ્રેસના નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની વયે નિધન, રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
- કોંગ્રેસના નેતા મોતીલાલ વોરાનું નિધન
- 93 વર્ષની વયે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન
- મોતીલાલ વોરા કોરોના વાયરસથી થયા હતા સંક્રમિત
- પાર્ટી મુખ્યાલય પર ઝુકાવાયો અડધો ધ્વજ
- રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ
અમદાવાદ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોતીલાલ વોરાનું 93 વર્ષની વયે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે. મોતીલાલ વોરાએ રવિવાર એટલે કે ગઈકાલે જ તેમનો 93મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્રણ દિવસ પહેલા ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોતીલાલ વોરાના નિધન બાદ પાર્ટી મુખ્યાલયમાં કોંગ્રેસનો અડધો ધ્વજ ઝુકાવવામાં આવ્યો છે .
હાલમાં મોતીલાલ વોરા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમણની જાણકારી મળ્યા પછી તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વોરા આ વર્ષે એપ્રિલ સુધી કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય હતા.
હાલમાં જ કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું નિધન થયું હતું. કોંગ્રેસ નેતા અહેમદ પટેલને વર્ષ 2018માં કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા હતા. અગાઉ મોતીલાલ વોરાની આ જવાબદારી હતી. વોરા લગભગ બે દાયકા સુધી ખજાનચી તરીકે આ જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમને વધતી ઉંમરનું કારણ આપીને રાહુલ ગાંધીએ આ જવાબદારીથી મુક્તિ આપી હતી. મોતીલાલ વોરા અને અહેમદ પટેલ બંને ખૂબ નજીકના હતા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, “વોરા જી એક સાચા કોંગ્રેસી અને અદભૂત વ્યક્તિ હતા. અમે તેમને ખૂબ જ યાદ કરીશું. તેમના પરિવાર અને મિત્રોને મારો પ્રેમ અને સંવેદના.”
_દેવાંશી