વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી નવરાત્રિ દરમિયાન આણંદ અને વડોદરામાં રોડ શો કરશે, એટલું નહીં પણ નવરાત્રીમાં ઉત્સવમાં પણ ભાગ લેશે. પ્રિયંકા ગાંધીના આગમનને લઈને કોંગ્રેસ પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દિલ્હીથી નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે સમયાંતરે આવી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સપ્ટેમ્બરના અંતમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવે તેવી શક્યતા છે. વડોદરામાં પ્રિયંકા ગાંધી રોડ-શો કરશે. જ્યારે આણંદમાં મહિલા સંમેલનમાં ભાગ લેશે. આણંદ અથવા વડોદરામાં ગરબા કાર્યક્રમમાં પ્રિયંકા ભાગ લઇ શકે છે. પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને પ્રદેશ કોંગ્રેસ આખરી ઓપ આપી રહ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને હવે કોંગ્રેસ પણ એકટીવ મોડ પર આવી ગયુ છે. કોંગ્રેસના અલગ અલગ નેતાઓના કાર્યક્રમો ડીઝાઇન કરવામાં આવી રહ્યા છે. જેમાં પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર માસના અંત સુધીમાં એટલે કે નવરાત્રિ દરમિયાન પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. આણંદ અને વડોદરાના વિવિધ કાર્યક્રમોમાં પ્રિયંકા ગાંધી ભાગ લેશે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસ દરમિયાન એક મહિલા સંમેલનમાં હાજરી આપશે.. ત્યારબાદ નવરાત્રિમાં ગરબા કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી ભાગ લે તેવી પણ શક્યતા છે. પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યો છે. કારણકે કોંગ્રેસ દ્વારા પણ તેમના કાર્યક્રમને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પહેલી વખત હશે કે તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીના કેમ્પેઇનમાં ભાગ લેવા જઇ રહ્યા છે. વર્ષ 2017માં રાહુલ ગાંધી દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર ત્રણ ત્રણ દિવસીય યાત્રા યોજવામાં આવી હતી. એ જ પ્રકારની યાત્રાઓ પણ આગામી સમયની અંદર પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કરી શકે છે.(file photo)