નવી દિલ્હી : મથુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ હેમામાલિનીએ આગામી ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન તેમની સાથે યુપીના મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવસિંહ પણ હાજર હતા. તે દરમિયાન હેમામાલિનીએ રાધે-રાધેના જયકારા પણ લગાવ્યા હતા.
તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સૂરજેવાલાએ ભાજપના નેતા અને મથુરાના સાંસદ હેમામાલિની પર કરેલી વિવાદીત ટીપ્પણીના મામલે પણ તેમની પ્રતિક્રિયા આવી છે. હેમામાલિનીએ સૂરજેવાલાની ટીપ્પણી પર કહ્યું છે કે તેમને (સૂરજેવાલા) જે પણ ટીપ્પણી કરવી છે, તેમને કરવા દો. જનતા મારી સાથે છે. તેમની ટીપ્પણીથી શું થશે? મને આનાથી કોઈ ફરક પડતો નથી. વિપક્ષનું કામ જ નિવેદનબાજી કરવાનું છે. તેઓ મારા માટે સારી વાત નહીં કરે. તેમણે કહ્યું છે કે રણદીપ સૂરજેવાલાએ જે પણ કહ્યુ છે, મને તેનાથી ફરક પડતો નથી. મેં મારું કામ કર્યું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સૂરજેવાલાના નિવેદન પર હંગામો મચ્યો છે. તેમણે કહ્યુ છે કે અમે હેમામાલિની નથી. અમને કામ કરવા માટે ચૂંટવામાં આવે છે. હેમામાલિનીએ આના પર કહ્યું છે કે મારે કોઈના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપવી નથી. અમે એટલું જ કહીશું કે જેનું નામ હોય છે, તેમની ચર્ચા થાય છે. તેમણે કહ્યું છે કે મહિલાઓના સમ્માન માટે જે પ્રકારે અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવેદનશીલ છે, વિપક્ષે પણ તેમની પાસેથી શીખવું જોઈએ. મથુરાથી સાંસદ હેમામાલિનીએ કહ્યું છે કે ત્રીજીવાર મથુરાના લોકોની સેવા કરવાનો મોકો મળવા જઈ રહ્યો છે. આનાથી હું ઘણી ખુશ છું.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલા પહેલી એપ્રિલે હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા બેઠક હેઠલના કૈથલના એક ગામમાં ઈન્ડી એલાયન્સના ઉમેદવાર સુશીલ ગુપ્તાના ટેકામાં જાહેરસભા સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ભાજપના નેતા અને મથુરાથી સાંસદ હેમામાલિનીને લઈને વિવાદીત ટીપ્પણી કરી હતી. તેમની આ ટીપ્પણીનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેના પછી ભાજપે સૂરજેવાલા અને કોંગ્રેસની ખૂબ ટીકા કરી હતી.
ભાજપે આની ટીકા કરતા કહ્યું છે કે સૂરજેવાલાના નિવેદનથી ખબર પડે છે કે કોંગ્રેસ મહિલાઓથી નફરત કરે છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે એક વીડિયો સેયર કરતા કહ્યુ છે કે કોંગ્રેસના નેતા સૂરજેવાલાએ હેમામાલિનીની વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી છે, જે ન માત્ર તેમના માટે પરંતુ તમામ મહિલાઓ માટે અપમાનજનક છે.
તેમણે કહ્યુ છે કે કેટલાક દિવસો પહેલા સૂરજેવાલાની પાર્ટીના એક નેતાએ પણ ભાજપની મહિલા નેતા પર અપમાનજનક ટીપ્પણી કરી હતી. આ છે રાહુલ ગાંધીની કોંગ્રેસ જે સ્ત્રી વિરોધી અને મહિલાઓને નફરત કરે છે.
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે વીડિયો શેયર કરતા કહ્યું છે કે વાત મોહબ્બતની દુકાન ખોલવાની થઈ હતી, પરંતુ કોંગ્રેસ નફરતની દુકાન ખોલીને બેઠી છે. મહિલાઓના પ્રત્યે આવી છીછરી માનસિકતા ધરાવનાર કોંગ્રેસના નેતાઓ અવશ્યંભાવી હારની હતાશા ને કુંઠામાં પોતાના ચરિત્રનું દિવસેને દિવસે પતન કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે આના પહેલા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટ પરથી કંગના રનૌતને લઈને બેહદ વાંધાજનક ટીપ્પણી કરી હતી. જો કે કોંગ્રેસના નેતાએ સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમના સોશયલ મીડિયાનો એક્સેસ ઘણાં લોકો પાસે છે અને તેમાંથી જ કોઈએ આ પોસ્ટ કરી હશે. સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે જેવી મને આની જાણકારી મળી, મેં તે પોસ્ટને હટાવી દીધી હતી.