લ્યો બોલો! રામમંદિર લાગે છે કૉંગ્રેસી નેતાને મનુવાદની વાપસી!, કૉંગ્રેસ ઘેરાય તેવી શક્યતા
નવી દિલ્હી: અયોધ્યાની રામજન્મભૂમિ પર નિર્માણ થઈ રહેલા ભવ્ય રામમંદિરનો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. પણ કોંગ્રેસના નેતાએ રામમંદિર સામે વાણીવિલાસ કરતા વિવાદીત નિવેદનબાજી કરીને કોંગ્રેસ માટે રાજકીય ઘેરાબંધીની શક્યતા જેવી સ્થિતિ ઉભી કરી છે.
ઉદિત રાજે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યુ છે કે મતલબ 500 વર્ષ બાદ મનુવાદની વાપસી થઈ રહી છે. ઉદિત રાજે પોતાની એક્સ પોસ્ટમાં રામમંદિર અથવા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ 500 વર્ષની વાતથી સ્પષ્ટ છે કે તેમનો ઈશારો રામમંદિર તરફ છે. હવે આ ટીપ્પણીને લઈને ભાજપ ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસ પર આક્રમક રાજકીય હુમલા કરે તેવી શક્યતાઓ આકાર લઈ રહી છે.
ખાસ કરીને લોકસભા ચૂંટણી પહેલા ભાજપ રામમય વાતાવરણ બનાવવાની કોશિશમાં છે અને તેને પહેલા ઉદિતરાજની આ ટીપ્પણી ભાજપને કોંગ્રેસ સામે રાજકીય મોરચો સક્રિય કરવા માટેનો એક પ્રકારે મોકો આપશે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં કોંગ્રેસને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રિત કરવામાં આવ્યા છે.
હજી સુધી પાર્ટીએ આને લઈને કોઈ નિર્ણય કર્યો નથી અને અસમંજસતાની સ્થિતિમાં હોવાનું લાગી રહ્યું છે. જો કોંગ્રેસના નેતાઓ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થાય, તો ભાજપ હિંદુત્વ ના મુદ્દા પર કોંગ્રેસને ઘેરે તેવી શક્યતા છે. તેવામાં ઉદિત રાજનું નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરવાનું છે.
ઉદિત રાજ 2014માં ભાજપની જ ટિકિટ પર ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેના પછી તેમની ભાજપમાં ખટપટ થઈ અને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ઉદિત રાજે રાજનીતિની શરૂઆત પોતાની જ એક પાર્ટી ઈન્ડિયન જસ્ટિસ પાર્ટી બનાવીને કરી હતી.
દલિતોના મુદ્દા પર મુખર રહેનારા ઉદિત રાજે પહેલા પણ ઘણીવાર આકરી નિવેદનબાજી કરી છે. પરંતુ આ વખતે રામમંદિરને મનુવાદ સાથે જોડનારી ટીપ્પણીને ભાજપ હથિયાર બનાવે તેવી શક્યતા છે અને આ બહાને કોંગ્રેસને ઘેરી શકે છે.