અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ ગણાવતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને પગલે ખળભળાટ મચી ગયો છે, એટલું જ નહીં આ મુદ્દે નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જન ખડગે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલની પુત્રી મમતાઝ પટેલે અધ્યક્ષ ખડગેના નિવેદનનો વિરોધ કરીને એક સલાહ આપી હતી.
કોંગ્રેસના યુવા નેતા મુમતાઝે કહ્યું- નેતાઓએ બોલતી વખતે કાળજીપૂર્વક શબ્દો પસંદ કરવા જોઈએ, કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. આવી ટીપ્પણીઓ ટાળવી એ જ સમજદારી છે. મુમતાઝ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી છે. બે વર્ષ પહેલા કોવિડ-19માં અહેમદ પટેલનું અવસાન થયું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 29 નવેમ્બરે ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. અમદાવાદમાં જાહેર સભા દરમિયાન ખડગેએ કહ્યું- વડાપ્રધાન કહે છે બીજે ક્યાંય ન જુઓ. મોદીને જોઈને મત આપો. હું તમારો ચહેરો કેટલી વાર જોઉં? કોર્પોરેશનની ચૂંટણીમાં અમે તમારો ચહેરો જોયો. સુરતમાં MLA ચૂંટણી, MPની ચૂંટણીમાં જોયું. શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે? મને સમજાતું નથી.
ખડગેના નિવેદનના બે દિવસ બાદ એટલે કે 1 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને જવાબ આપ્યો હતો. તેમણે ઈશારામાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રામ સેતુને પણ નફરત કરે છે. કોંગ્રેસમાં પીએમ પદને અપમાનિત કરવા અને દુરુપયોગ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. તેઓ મારી સાથે દુર્વ્યવહાર કરવા માટે રામાયણમાંથી રાવણ લાવ્યા હતા. રામ ભક્તને રાવણ કહેવું ખોટું છે. લોકો જેટલો કાદવ ફેંકશે તેટલું કમળ ખીલશે.