Site icon Revoi.in

1 દિવસમાં કોંગ્રેસની 3 વિકેટ પડી, ભાજપમાં આવ્યા ગૌરવ વલ્લભ-અનિલ શર્મા

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રોફેસર ગૌરવ વલ્લભ હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ચુક્યા છે. લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનથી ગૌરવ વલ્લભનું કોંગ્રેસ છોડવું મોટો આંચકો માનવામાં આવે છે. તેમણે કોંગ્રેસને દિશાહિન પાર્ટી ગણાવી છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચુક્યા છે.

ગૌરવ વલ્લભ સિવાય બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અનિલ શર્માએ પણ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે.

આ સિવાય મહારાષ્ટ્રમાં સંજય નિરુપમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે.

ગૌરવ વલ્લભે કોંગ્રેસ છોડતા લખ્યું હતું કે હું ન તો સનાતન વિરોધી સૂત્રો પોકારી શકું છું અને ન તો સવાર-સાંજ દેશના વેલ્થ ક્રિએટરને ગાળ આપી શકું છું. માટે હું કોંગ્રેસના તમામ પદો અને પ્રાથમિક સદસ્યતાથી પણ રાજીનામા આપી રહ્યો છું.

તો સંજય નિરુપમ મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી મહાવિકાસ અઘાડીના અમોલ કીર્તિકારને ઉમેદવાર બનાવવાથી નારાજ હતા. તેઓ સતત કીર્તિકારને ખિચડી ચોર ગણાવી રહ્યા હતા. નિરુપમે કોંગ્રેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને કેસી વેણુગોપાલ એમ પાંચ પાવર સેન્ટર હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસે સંજય નિરુપમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. તો નિરુપમે પોતે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.