Site icon Revoi.in

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના કુશાસન, ભ્રષ્ટ્રાચાર સામે સાથે મળીને લડત આપેઃ રાહુલ ગાંધી

Social Share

અમદાવાદઃ  દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પ્રજાને પડતી મુશ્કેલી જેવી કે, અસહ્ય મોંઘવારી, નાના વેપારીઓને હેરાન ગતિ, સ્થાનિક મુદ્દાઓ, આર્થિક હાલાકીઓ, માલધારી સમાજને પડતી મુશ્કેલીઓ વગેરે બાબતે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યોને આહ્વાન કર્યું હતું કે, ભાજપના કૂશાસન, ભ્રષ્ટ્રાચાર, મોંઘવારી અને પ્રજાના પ્રશ્નોને લઈને લડત આપે,

વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક સીજે ચાવડાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે,  દાહોદ ખાતે ઐતિહાસીક આદિવાસી સત્યાગ્રહ રેલીને મળેલી સફળતા અંગે  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ  રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજ માટે ન્યાય અને અધિકારની લડત, જળ, જંગલ અને જમીન અંગે કોંગ્રેસ પક્ષની લડત માટે તમામ ધારાસભ્યોએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. સાથોસાથ આદિવાસી સમાજને પણ કોંગ્રેસ પક્ષમાં મોટા પાયે વિશ્વાસ વ્યક્ત કરીને રેલીમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર અંબાજીથી ઉમરગામ સુધીમાં 10 લાખ અદિવાસી પરિવારોમાં ઘરે ઘરે જઈને જનસંપર્ક અભિયાન કરશે.

અસહ્ય મોંઘવારી મુદ્દે વાવના ધારાસભ્ય  ગેનીબેન ઠાકોરે લડત લડવા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધીને મહિલા સંમેલનમાં ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતમાં સરકારી નોકરીઓમાં મોટાપાયે ગેરરીતિ, વારંવાર પેપર ફૂટવાની ઘટના અને ભ્રષ્ટાચાર સામે યુવાનોના જનઆંદોલનમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને ફરી ગુજરાત આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ધારાસભ્યોના વિવિધ મંતવ્યો સાંભળ્યા બાદ  રાહુલ ગાંધીએ ધારાસભ્યોને જણાવ્યું હતું કે કોઈએ ડર્યા વગર બધા સાથે મળીને ભાજપના કુશાસન, ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી લડત આપીશું.જનતા આપણી સામે મોટી અપેક્ષા લઈને વિશ્વાસ મૂકી રહી છે.