પાલનપુરઃ ઉનાલાના આગમન સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી પીવાના પાણીથી લઇ સિંચાઇના પાણી માટે આજે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને કોંગ્રેસના ધારાસભ્યોએ 5 કીલોમીટર સુધી મૌન રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું..
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષ અપુરતા વરસાદથી ઉનાળાના આગમન ટાણે જ પીવાના પાણીનો યક્ષ પ્રશ્ન બન્યો છે. ભુગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. જ્યારે નદી ડેમ અને તળાવ ખાલીખમ છે. પીવાના પાણીથી લઇ સિંચાઇના પાણી માટે આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી નર્મદાનાં નીરને બનાસકાંઠાના તળાવો ડેમ તેમજ નદીઓથી જોડવા માટે ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં ખેડૂતોએ માંગ કરી હતી કે રાજ્ય સરકાર બનાસકાંઠાના ડેમો અને તળાવો નર્મદાના નીરથી ભરી આપે તો જ પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે.
જિલ્લા મથક પાલનપુરમાં નીકળી આજે મૌન રેલીમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેમજ આગેવાનો પણ જોડાયા હતા. કોંગ્રેસે માંગ કરી હતી કે, છેલ્લાં કેટલાય સમયથી ધારાસભ્યો વિધાનસભાથી લઈ સ્થાનિક સરકારી કચેરીઓમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ પ્રજાના પ્રશ્ને ભાજપની સરકાર વાચા આપતી નથી. જેથી આજે ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ ખેડૂત રેલી યોજી સરકાર સામે પાણી માટેની માંગ મક્કમ કરી છે. આજે ખેડૂતોના મૌન રેલી અને કોંગ્રેસના આગેવાનો ના સરકાર પર આક્ષેપ મામલે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ જણાવ્યું હતું કે બનાસકાંઠાના પાણીના પ્રશ્ને સરકાર પણ ચિંતિત છે. આ મામલે રાજ્યના સિંચાઇ વિભાગથી લઇ ઈરીગેશન વિભાગ સુધી પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી ચાલી રહી છે. સરકાર સત્વરે બનાસકાંઠાના પાણીની સમસ્યા દૂર કરશે. કોંગ્રેસ માત્ર વાતો કરે છે પરંતુ પાણીની સમસ્યા ભાજપ પક્ષ દૂર કરશે.