Site icon Revoi.in

હાથરસ ભાગદોડના પીડિત પરિવારોને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મળ્યા

Social Share

લખનૌઃ રાયબરેલીના કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે ઉત્તર પ્રદેશના અલીગઢના પિલખાના ગામમાં પહોંચ્યા અને હાથરસ નાસભાગના પીડિત પરિવારોને મળ્યા. આ નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. રાહુલ ગાંધી દિલ્હીથી રોડ માર્ગે અલીગઢના પીલખાના પહોંચ્યા. અહીં તેઓ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળ્યા હતા. રાહુલ ગાંધી સૌથી પહેલા મંજુ દેવીના ઘરે પહોંચ્યા હતા. તેમના પતિ છોટે લાલ અને પરિવારને મળ્યા. હાથરસ અકસ્માતમાં મંજુ દેવી અને તેમના પુત્રનું મૃત્યુ થયું હતું. રાહુલે અકસ્માત વિશે પૂછપરછ કરી. પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી. મંજુ દેવીની પુત્રીએ કહ્યું કે તેને સારવારમાં જે મદદ મળવી જોઈએ તે મળી શકી નથી.

તેમણે કહ્યું કે તમે ચિંતા ન કરો, સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવશે. રાહુલ ગાંધી પીલખાના ગામમાં બે વધુ પરિવાર શાંતિ દેવી અને પ્રેમવતીના ઘરે પણ પહોંચ્યા હતા. અલીગઢ બાદ રાહુલ ગાંધી હાથરસ પણ જશે. સીએમ યોગીએ 3 જુલાઈએ હાથરસની મુલાકાત પણ લીધી હતી. તેઓ હોસ્પિટલમાં પીડિત અને તેમના પરિવારજનોને મળ્યા હતા. અહીં, અકસ્માતની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચની પ્રથમ બેઠક ગુરુવારે સાંજે સીતાપુર જિલ્લાના નૈમિષારણ્યમાં યોજાઈ હતી.

કમિશનના અધ્યક્ષ રિટાયર્ડ જજ બ્રિજેશ શ્રીવાસ્તવે કહ્યું કે બહુ જલ્દી કમિશનની ટીમ હાથરસ જશે અને પુરાવા એકત્ર કરશે. હાથરસ અકસ્માત અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આઈજી શલભ માથુરે જણાવ્યું કે ભોલે બાબા ઉર્ફે સૂરજપાલના 6 સેવકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ આયોજક સમિતિના સભ્યો છે. ફરાર મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકર પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.