નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે થોડાક દિવસો બાકી બચ્યા છે. ઉમેદવારોના નામના એલાનથી લઈને નામાંકનનો તબક્કો ચાલુ છે. ત્યારે સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્ારને કમજોર કરવામાં લાગેલું છે. તેને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
દેશના 600થી વધારે વકીલોએ સીજેઆઈને પત્ર લખીને જણાવ્યું છે કે આ ખાસ ગ્રુપનું કામ અદાલતી નિર્ણયોને પ્રભાવિત કરવા માટે દબાણ નાખે છે, ખાસ કરીને આવા મામલાઓમાં જેનાથી નેતાઓ જોડાયેલા છે અથવા તો પછી જેના પર ભ્રષ્ટાચારનો આરોપ છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે આની ગતિવિધિઓ દેશના લોકશાહીના તાણાવાણા અને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ માટે ખતરો છે.
આ ચિઠ્ઠી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે. તેમાં તેમણે લખ્યું છે કે અન્યોને ડરાવવા-ધમકાવવાની કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. પાંચ દશખ પહેલા જ તેમણે પ્રતિબદ્ધ અદાલતનું આહવાન કર્યું હતું. તે બેશરમીથી પોતાના સ્વાર્થ માટે અન્યોની પ્રતિબદ્ધતા ચાહે છે, પરંતુ રાષ્ટ્ર પર્ત્યે કોઈપણ પ્રતિબદ્ધતાથી બચે છે. કોઈ આશ્ચર્ય નથી કે 140 કોરડ ભારતીય તેમને અસ્વીકાર કરી રહ્યા છે.
પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ આવી છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે પલટવાર કરતા એક્સ પર લખ્યું છે કે તાજેતરના સપ્તાહોમાં સુપ્રીમ કોર્ટે વડાપ્રધાનને ઘણાં આંચકા આપ્યા છે. ચૂંટણી બોન્ડ યોજના તો તેનું એક ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટે તેમને ગેરબંધારણીય ઘોષિત કરી દીધા અને હવે એ કોઈપણ શંકા વગર સાબિત થઈ ગયું છે કે બોન્ડ કંપનીઓને ભાજપને દાન આપવા માટે મજબૂર કરવા માટે ભય, બ્લેકમેલ અને ધમકીનું એક જબરદસ્ત સાધન હતું. વડાપ્રધાને એમએસપીના કાયદાની ગેરેન્ટી આપવાના સ્થાને ભ્રષ્ટાચારને કાયદાકીય ગેરેન્ટી આપે છે. ગત દશ વર્ષોમાં વડાપ્રધાને જે કંઈપણ કર્યું છે, તે વિભાજીત કરવું, વિકૃત કરવું, ધ્યાન ભટકાવવું અને બદનામ કરવું છે. 140 કરોડ ભારતીય તેમને જલ્દીથી આકરો જવાબ આપવાની રાહ જોઈ રહ્યા છે.
વકીલોનું કહેવું છે કે આ ખાસ ગ્રુપ ઘણાં પ્રકારથી અદાલતના કામકાજને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. જેમાં ન્યાયતંત્રના કથિત સુવર્ણ યુગ બાબતે ખોટો નરેટિવ રજૂ કરવાથી લઈને અદાલતોની હાલની કાર્યવાહીઓ પર સવાલ ઉઠાવવા અને અદાલતોમાં જનતાના વિશ્વાસને ઘટાડવાનું સામેલ છે.
ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું કે આ ગ્રુપ પોતાના પોલિટિકલ એજન્ડાના આધારે અદાલતી નિર્ણયોના વખાણ અથવા તો પછી આલોચના કરે છે. હકીકતમાં આ ગ્રુપ માઈવે યા હાઈવેવાળી થિયરીમાં વિશ્વાસ કરે છે. તેની સાથે જ બેન્ચ ફિક્સિંગની થિયરી પણ તેમણે જ ઘડી છે. વકીલોનો આરોપ છે કે આ વિચિત્ર છે કે કોઈ નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગે છે અને પછી કોર્ટમાં તેનો બચાવ કરે છે. તેવામાં જો કોર્ટનો ચુકાદો મનમાફક આવે નહીં, તો તે કોર્ટની અંદર જ અથવા તો મીડિયા દ્વારા કોર્ટની ટીકા શરૂ કરી દે છે.
ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક તત્વો જજોને પ્રભાવિત કરવા અથવા તો પછી કેટલાક ચુનિંદા મામલામાં પોતાના પક્ષમાં નિર્ણય આપવા માટે જજો પર દબાણ નાખવાની કોશિશ કરી રહ્યા છે અને તેવામાં સોશયલ મીડિયા પર જૂઠ્ઠાણું ફેલાવાય રહ્યું છે. તેમનો પ્રયાસ અંગત અથવા રાજકીય કારણોથી કોર્ટોને પ્રભાવિત કરવાની કોશિશ છે, જેને કોઈપણ પરિસ્થિતમાં સહન કરી શકાય નહીં.
આ વકીલોનો આરોપ છે કે આ ખાસ ગ્રુપની ગતિવિધિઓ ચૂંટણીના સમયે વધુ સક્રિય થઈ જાય છે. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન પણ આવુ જોવા મળ્યું હતું. અમે સુપ્રીમ કોર્ટને અનુરોધ કરીએ છીએ કે તેઓ આ પ્રકારના હુમલાથી આપણી અદાલતોને બચાવવા માટે કડક અને નક્કર પગલા ઉઠાવે.
ચિઠ્ઠીમાં વકીલોએ ન્યાયતંત્રના સમર્થનમાં એકજૂટ વલણ અપનાવવાનું આહવાન કર્યું છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ન્યાયતંત્ર લોકતંત્રનો એક મજબૂત સ્તંભ બનેલો રહે.