પાટણ : રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ મુજબ પ્રાથમિક શિક્ષકો માટે કામના કલાક વધારીને 8 કલાક નિયત કર્યા છે. જેની સામે શિક્ષકોમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો છે. હવે શિક્ષકોની વહારે કોંગ્રેસ આવી છે. શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહને પત્ર લખ્યો છે. અને શિક્ષકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.તેવામાં શિક્ષકોના કામના કલાક વધારીને 8 કલાક કરી દેવાયા છે.પાટણમાં આ મુદ્દે વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે સરકાર શિક્ષકો સાથે અન્યાય કરી રહી છે.એક તરફ સરકાર શિક્ષકને ભગવાન પછીનો દરજ્જો આપે છે. જ્યારે બીજી તરફ શિક્ષકોને અન્યાય કરવામાં આવે છે.જો સરકાર શિક્ષકો મુદ્દે યોગ્ય નિર્ણય નહીં કરે તો કોંગ્રેસ શિક્ષકોને સાથે રાખીને આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે શિક્ષકોનો કામનો સમય સવારે 9.30થી સાંજે 5.30 કરી દેવાયો છે.. આ પહેલા શિક્ષકોના કામનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હતો.રાજ્યમાં સરકારે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળાઓમાં 6 ને બદલે 8 કલાક હાજર રહેવાનો આદેશ કર્યો છે, અને આ આદેશ પાછળ રાઈટ ટુ એજ્યુકેશન 2009 ની જોગવાઈનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. સરકારના આ આદેશ ને પગલે હવે શિક્ષકોએ સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક એમ અઠવાડિયાના કુલ 45 કલાક શાળામાં હાજર રહેવા કહ્યું છે.
સરકારના અ નિર્ણયને કારણે શિક્ષક જગતમાં વિરોધના સૂર ઉઠ્યો છે, તો બીજી બાજુ ખુદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. રાજ્યના વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ 8 કલાક કામ કરે છે. શિક્ષણ સુધારણા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શાળામાં શિક્ષકોની મહત્તમ હાજરી હોવી જરૂરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે શિક્ષકોએ ફરજના ભાગરૂપે પણ 8 કલાક કામ કરવું જોઈએ. સરકારના બધા વિભાગો 8 કલાક કામ કરે જ છે અને શિક્ષણ વિભાગમાં પણ આ પ્રકારનો GR થયેલો જ છે.