ગુજરાતના 33 જિલ્લા મથકોએ કોંગ્રેસ દ્વારા સર્વધર્મ સમભાવના સંદેશ સાથે તિરંગા યાત્રા યોજાઈ
અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં યોજાનારી “ભારત જોડો તિરંગા યાત્રા”ના ભાગ રૂપે અમદાવાદમાં શહીદ વીર કિનારીવાલા સ્મારકે પુષ્પાંજલિ કર્યા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની બાઈક રેલી મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પહોચી હતી. રેલીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 8મી ઓગસ્ટ 1942 એ ઐતિહાસિક દિવસ હતો. જયારે અગ્રેજોના જોર-જુલમને નાબુદ કરવા ભારતીયોના સ્વરાજના હક્ક અને અધિકાર માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ “અંગેજો ભારત છોડો”ના નારા સાથે અહિંસક ક્રાંતિની શરૂઆત કરી હતી. અંગ્રેજો સામે તે વખતે પણ કોંગ્રેસ પક્ષ લડતો હતો અને અંગ્રેજોનો સાથ આપનારાઓ સામે પણ આજે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લડી રહ્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે રેલીને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં ભાજપ સરકારની નીતિઓને પગલે દેશમાં સાંપ્રદાયિકતાનું, ધ્રુવીકરણનું વાતાવરણ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા “ભારત જોડો તિરંગા યાત્રા” સાથે પ્રેમ, સદભાવના, સર્વધર્મ સમભાવના સદેશ સાથે આઝાદીના ચળવળમાં શહીદ થનાર સપૂતોને યાદ -વંદન કરી મહાત્મા ગાંધીના સ્વપ્નનું ભારતના નિર્માણની નેમ લીધી હતી. મંદી મોઘવારી, બેરોજગારી, કથળતી શિક્ષણ અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે ફરી એક વાર લડતની જરૂર છે અને કોંગ્રેસ આ માટે મેદાનમાં આગળ વધી રહી છે. યુવાનો, મહિલાઓ, શ્રમિકો, વંચિતો-પીડિતો, સામાન્ય-મધ્યમ વર્ગના હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ સદાય લડત આપી છે અને આપતું રહેશે.
કોંગ્રેસ દ્વારા યોજાયેલી “ભારત જોડો તિરંગા યાત્રા” ગુજરાતના સપુત વીર કિનારીવાલાના સ્મારકે પુષ્પાંજલિ કરી વિશાળ બાઈક રેલી સ્વરૂપે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ પોહચી હતી. જ્યાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધીકારોએ પૂજ્ય બાપુની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી હતી. એઆઇસીસીનાં મંત્રી અને સૌરાષ્ટ્રનાં પ્રભારી રામકીશન ઓઝાની ઉપસ્થિતમાં રાજકોટ ખાતે વિશાળ “ભારત જોડો તિરંગા યાત્રા” યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રાજકોટનાં અગ્રણીઓ, મહિલાઓ, સ્થાનિક આગેવાનો જોડાઇ “ભારત માતા કી જય, વંદે માતરમ”નાં નાં બુલંદ નારા સાથે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતી ભાજપ સરકાર સામે હક્ક અને અધિકાર મેળવવા માટે બીજી એક આઝાદીની લડાઈ માટે આહ્વાન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજ્યવ્યાપી આયોજિત “ભારત જોડો તિરંગા યાત્રા” ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર, સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ, કોંગ્રસપક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા, ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ, અમદાવાદ શહેર કોગ્રેસના પ્રમુખ નીરવ બક્ષી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષનેતા શહેઝાદખાન પઠાન, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, યુથ કોંગ્રસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, એન.એસ.યુ.આઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, કોંગ્રેસ પક્ષના પદાધીકારીઓ, કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા સમગ્ર ભારત જોડો તિરંગા યાત્રા દરમ્યાન ઠેર ઠેર ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. જેમાં સ્થાનિકો પણ જોડાયા હતા.