Site icon Revoi.in

ગુજરાત સરકારની 9 દિવસની ઊજવણી સામે કોંગ્રેસ દ્વારા સમાંતર વિરોધી કાર્યક્રમો યોજાશે

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આવતીકાલ તા.1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપ સંગઠન દ્વારા રાજ્યમાં અનેક વિવિધ કાર્યક્રમો આયોજીત કરાશે. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ 1 થી 9 ઓગસ્ટ દરમિયાન સરકાર વિરુદ્ધ સમાંતર વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર અને સંગઠન દ્વારા પાંચ વર્ષની ઊજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો આવતીકાલ તા.1લી ઓગસ્ટથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોજાશે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ જનસંપર્ક અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ સમાંતર વિરોધી કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશી દ્વારા આપેલી વિગતો મુજબ કોંગ્રેસ સમાંતર કાર્યક્રમ આયોજીત કરીને પ્રજા સમક્ષ લઈ જશે.

ઉલ્લેખનીય છે કે 1લી ઓગસ્ટના રોજ ભાજપ સરકાર દ્વારા જ્ઞાન શક્તિ દિવસની ઊજવણી કરવામાં કરાશે તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજ દિવસે શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જ્યારે બીજી ઓગસ્ટના રોજ સરકાર દ્વારા સંવેદના દિવસની ઊજવણી કરવામાં આવશે જેની સામે કોંગ્રેસ દ્વારા સંવેદનહીન સરકાર અને આરોગ્ય બચાવો અભિયાન નામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. 3 ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર દ્વારા અન્નોત્સવ દિવસની ઊજવણી કરવામાં આવશે જ્યારે કોંગ્રેસ દ્વારા તે જ દિવસે અન્ન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

જ્યારે 4 ઓગસ્ટના રોજ વર્તમાન ભાજપ સરકારે નારી ગૌરવ દિવસની ઊજવણી કરશે ત્યારે તે દિવસે કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અભિયાન નામનો કાર્યક્રમ ઘડી કાઢયો છે જ્યારે 5 ઓગસ્ટના રોજ સરકાર અને સંગઠન દ્વારા કિસાન સન્માન દિવસની ઊજવણી કરવામાં આવશે તો વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની ખેડૂતો ખેતી બચાવો અભિયાન દ્વારા જનસંપર્ક કરશે આ ઉપરાંત છઠ્ઠી ઓગસ્ટના રોજ રાજ્ય સરકાર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા રોજગાર દિવસ ની ઊજવણી કરવામાં આવશે તેની સામે કોંગ્રેસ બેરોજગારી હટાવો અભિયાન નામનો કાર્યક્રમ કરશે.

જ્યારે 7 ઓગસ્ટના રોજ સરકાર અને સંગઠન દ્વારા વિકાસ દિવસની ઉજવણી આયોજિત કરી છે અને તે જ દિવસે કોંગ્રેસ વિકાસ કોનો ?અને વિકાસ ખોજ અભિયાન નામનો વિરોધ કાર્યક્રમ કરશે. આ ઉપરાંત 8 ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર દ્વારા શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે તે જ દિવસે કોંગ્રેસ જન અધિકાર અભિયાન કરશે જ્યારે અંતિમ દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને તે જ દિવસે કોંગ્રેસ પણ સામાજિક ક્રાંતિ અભિયાન નામનો કાર્યક્રમ કરશે.