અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસ દ્વારા અકસ્માતોના બનાવો વધતા જાય છે. અકસ્માતોમાં ભોગ બનેલા નાગરિકોને વળતર પણ અપાતું નથી. એવા આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી કે, એએમટીએસના બસ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોને વળતર આપવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ. ઉપરાંત એએમટીએસમાં છેલ્લા 10 વર્ષથી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અધિકારીની પણ બદલી કરવાની માંગ કરવામાં આવી હતી. મેયરે આવેદનપત્ર સ્વીકારી જે પણ અકસ્માતની ઘટના બને છે, તેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. વિપક્ષે AMTS સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો.
અમદાવાદમાં એએમટીએસ બસ કોન્ટ્રાક્ટથી ચલાવવામાં આવી રહી છે. અને છેલ્લા મહિનાઓમાં એએમટીએસ બસ દ્વારા અકસ્માતના બનાવો વધતા જાય છે. અકસ્માતનો ભોગ બનેલાને વળતર આપવા તેમજ એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજર લાપરવાહી હોવાથી તેમની બદલી કરવાની પણ કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી હતી.
એએમસીના વિપક્ષ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જાહેર પરિવહનની સેવા એવી AMTS બસ દ્વારા અકસ્માતો વધી રહ્યા છે. દર બે દિવસે થતા અકસ્માતના કારણે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે એએમટીએસ તંત્રની લાપરવાહીના વિરોધમાં કોંગ્રસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા અધિકારીની બદલી કરવામાં આવે, અકસ્માતમાં ઇજા પામનાર અને મૃત્યુ પામનારને યોગ્ય વળતર આપવું અને તે પણ કોન્ટ્રાક્ટર હોય તેની સામે બ્લેક લિસ્ટની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. મેયર પ્રતિભા જૈન દ્વારા વિપક્ષના આવેદનપત્રને સ્વીકારી અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી.