Site icon Revoi.in

કોરોના કાળમાં કામગીરી મુદ્દ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના BJP સરકાર ઉપર આકરા પ્રહાર

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આવતાવર્ષે ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા આ ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવાનો નિર્ણય કર્યો છે. તેમજ મતદારો સુધી પહોંચવા માટે જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોના કાળમાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યાં હતા. તેમજ ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ભાજપ સરકારે પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધા હતા. હવે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી હવે ભાજપને જનતા યાદ આવી છે. ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી આ મહામારીમાં પણ પ્રજાને સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ રહી છે. કોરોનાને કારણે જેટલા મૃત્યુ પામ્યા હતા તેનાથી વધારે લોકો સરકારના અણધડ વહિવટના કારણે મોતના મુખમાં ધકેલાયાં હતા. ગુજરાતની ભાજપ સરકાર લાજવાને બદલે ગાજે છે અને કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવાના બદલે આ સરકાર ઉત્સવો કરી રહી છે. ભાજપને લોકોની નહીં પરંતુ સત્તાની પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર દ્વારા આવેલી કામગીરી લોકો સુધી પહોંચાડવા માટે જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં મંત્રી મંડળમાં સામેલ પાંચ મંત્રીઓ પણ જોડાશે. તેમજ યાત્રા લોકસભાના 18 અને વિધાનસભાના 81 બેઠકો ઉપરથી પસાર થશે.