નવી દિલ્હી: કોંગ્રેસના એક સાંસદ ડી. કે. સુરેશ દ્વારા કથિતપણે દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ રાષ્ટ્રની માગણી ઉઠાવવાના મામલે રાજ્યસભામાં શુક્રવારે હંગામો થયો હતો. દેશની એકતા, અખંડિતા અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને કોંગ્રેસના સાંસદના નિવેદન મામલે સત્તાધારી પક્ષના સાંસદો દ્વારા સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરવામાં આવી.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદનના મામલે સોનિયા ગાંધી માફી માંગે તેવી માગણી કરી છે. તો રાજ્યસભામાં ગૃહના નેતા પિયૂષ ગોયલ દ્વારા ઉઠાવવામાં આવેલા મામલા પર પ્રતિક્રિયા આપતા વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પોતાની જ પાર્ટીના સાંસદના નિવેદનની ઝાટકણી કાઢી હતી.
ખડગેએ કહ્યુ હતુ કે જો કોઈ પણ દેશને તોડવાની વાત કરશે, તો કોંગ્રેસ તેને ક્યારેય સહન નહીં કરે. તેમણે કહ્યુ કે ચાહે તો આ મામલો વિશેષાધિકાર હનન સમિતિને મોકલી શકાય છે.
ખડગેએ કહ્યુ હતુ કે જો કોઈ દેશ તોડવાની વાત કરશે, તો અમે ક્યારેય સહન નહીં કરીએ. ચાહે તે મારી પાર્ટીનો હોય અથવા કોઈ અન્ય પાર્ટીનો હોય. આ દેશની એકતા માટે, કોઈ કહે અથવા નહીં કહે, હું મલ્લિકાર્જૂન ખડગે કહીશ કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત એક છે અને એક રહેશે.
તેમણે કહ્યુ છે કે દેશની એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસના ઘણાં નેતાઓએ કુર્બાની આપી છે અને ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે.