નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખડગેએ આરોપ લગાવ્યો કે બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સરકાર દ્વારા કરવામાં આવેલા સુરક્ષાના દાવા ખોટા પડ્યા છે. સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં અને પ્રચાર કરવામાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જ ઉત્સાહ મુસાફરોની સુરક્ષાને લગતા પગલાં લેવામાં પણ દેખાડવો જોઈએ.
ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું કે, “શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. હું કોંગ્રેસ કાર્યકર્તાઓને તમામ સંભવ મદદ કરવા વિનંતી કરું છું.” ખડગેએ આરોપ લગાવ્યો કે એવું લાગે છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી કેન્દ્ર સરકારના તમામ સુરક્ષા દાવાઓ વ્યર્થ ગયા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ગઈકાલે આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં થયેલા ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોના મૃત્યુ અને ઘાયલ થવાના સમાચારથી હું દુખી છું. હું શોકગ્રસ્ત પરિવારો અને તે લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. જે લોકો ઘાયલ થયા છે, હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. તેમણે કહ્યું, “હું વિસ્તારના કોંગ્રેસ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે તેઓ રાહત અને બચાવ કામગીરીમાં વહીવટીતંત્રને તમામ શક્ય મદદ કરે.”