કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ નરેન્દ્ર મોદીની ઝેરી સાપ સાથે કરી સરખામણી, વિવાદ વકરતા કર્યો ખુલાસો
નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. કોંગ્રેસના નેતાએ નરેન્દ્ર મોદીની ઝેરી સાથે સરખામણી કરતા જણાવ્યું હતું કે, મોદી ઝહેરીલા સાપ જેવા છે, આ વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં, જો આ ઝેરને ચાટો છો તો આમ મરી જશો. કર્ણાટકમાં 10મી મે ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. જે અંતર્ગત કુલબુર્ગીમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં ખડગેએ પીએમ મોદીને લઈને વિવાદીત નિવેદન કર્યું હતું.
કોંગ્રેસના નેતાના વિવાદીત નિવેદનનો વીડિયો ભાજપના નેતા અમિત માલવીયાએ ટ્વીટ કર્યો છે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું છે કે, હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ મોદીને ઝહેરીલા સાપ કહ્યાં છે. કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ મોતના સોદાગરથી શરૂઆત કરી હતી, અમને ખબર છે કે આનો અંત કેવી રીતે થશે. કોંગ્રેસનું સ્તર સતત ગબડી રહ્યું છે.
ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું હતું કે, ખડગે કોંગ્રેસના સિનિયર નેતા અને અધ્યક્ષ છે. તેઓ દુનિયાને શુ કહેવા માંગે છે ? નરેન્દ્ર મોદી દેશના પીએમ છે અને પુરી દુનિયા તેમનું સન્માન કરે છે. જેથી ખડગેએ દેશની જનતાની માફી માંગવી જોઈએ. નિવેદનને લઈને વિવાદ ઉભો થતા ખડગેએ કહ્યું કે, પીએમ મોદી અંગે વ્યક્તિગત રીતે ક્યારેય કંઈ નથી કહ્યું, મારો મતલબ ભાજપની વિચારધારા વિશે હતો. તે સાપ સમાન છે અને જો તમે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.