કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ
અમદાવાદઃ અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે પોતાના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથની વાતચિતમાં હું મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાને ટકાવી રાખવા માટે કામ કરીશ. તેમજ પોતે કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંગઠનમાં સ્થાન આપશે, મહિલાઓ, દલિતો અને યુવાનોને પ્લેટફોર્મ આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. સાથે જ જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં નેતાઓને પોતે સૌને એકસાથે લઈને ચાલશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક તરફ ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. તેમની સાથે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ જોડાયા છે. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી હવે વધારે રોચક બની છે. શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ પદના ઉમેદવાર છે. આ બંને નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે નીકળી ગયાં છે. ત્યારે રાજ્યસભાના સાંસદ ખડગેએ અમદાવાદથી પોતાના પ્રચારનો આરંભ કર્યો હતો. શુક્રવારે તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીના આશીર્વાદ મેળવીને અધ્યક્ષ પદ અને વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો આરંભ કર્યો હતો.આ પ્રસંગે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સાંસદ શક્તિસિંહ ગોહિલ અને અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતા.
ખડગેએ અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પોતે અગાઉ પણ ઘણી વખત ગુજરાતમાં આવી ચુક્યા હોવાનું અને પોતે અમૂલ ડેરીના સ્વર્ગસ્થ કુરિયનને પણ મળ્યા હોવાનું જણાવ્યું હતું. ખડગેએ પોતાને બાળપણથી જ વિકાસના કામો કરવા ગમતા હતા અને પોતે ગાંધી અને સરદારની વિચારધારાને ટકાવી રાખવા કામ કરશે ખડગેએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પી હતી. મુલાકાતીઓ માટેની ડાયરીમાં પોતે 5મી વાર આવ્યા હોવાનું લખ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદથી પોતાના પ્રચારની શરૂઆત કરવા પાછળનું કારણ આપતાં જણાવ્યું કે, અમદાવાદથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા પાછળ આઝાદી અપાવનારા વ્યક્તિ મુખ્ય કારણ છે. એ મહાન વ્યક્તિને નમન કરીને પ્રચાર શરૂ કરવો હતો. તેમણે સરદાર પટેલે નાના-મોટા રાજ્યોને એક કરીને દેશને એક કર્યો માટે આ સરદાર પટેલની પણ ભૂમિ છે અને પ્રચાર પહેલા આ બંને મોટા નેતાઓને વંદન કરવા માટે ગુજરાત આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ખડગેએ જણાવ્યું કે, તેઓ ડેલીગેટને, નેતાઓને, કાર્યકરોને મળ્યા અને તે સૌએ તેમને ચૂંટણી લડવા માટે મજબૂર કર્યા છે. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી ચૂંટણી ન લડવાના હોવાથી તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતે કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવા પોતે ચૂંટણી લડવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં ખડગેએ હંમેશા કોંગ્રેસના આશીર્વાદ પોતાના સાથે હોવાની લાગણી દર્શાવી હતી.