Site icon Revoi.in

કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરીને વર્ગ-3 અને 4ના કર્મચારીઓની કરાશે ભરતીઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ત્યારે કોર્પોરેશનમાં સત્તા હાંસલ કર્યાંના 24 કલાકમાં જ આંદોલન કરી રહેલા સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. એટલું જ નહીં પ્રજાનો એક વર્ષનો વેરો પણ માફ કરવાનું વચન કોંગ્રેસે છ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બહાર પાડેલા ઢંઢેરામાં આપ્યું છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદ સહિત છ શહેરોની જનતાને અનેક વચન આપ્યાં છે. કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જે મહાનગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે ત્યાં એક વર્ષ માટે લોકોના ટેક્સ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને માફ કરી દેવામાં આવશે. તો બીજી તરફ સત્તાના 24 કલાકમાં આંદોલન કરી રહેલા સફાઇકર્મીઓને કાયમી કરવામાં આવશે. મહાનગરપાલિકાના અલગ-અલગ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે 24 કલાકની અંદર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નવા વ્યવસાય શરૂ કરનારા યુવાનોને ત્રણ વર્ષ ટેકસમાંથી માફી આપવામાં આવશે. દરેક વોર્ડની અંદર આરોગ્યની અદ્યતન સુવિધાઓ આપવામાં આવશે. સ્વરાજની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વારંવાર ફરિયાદો મળતી હોવાથી ભ્રષ્ટાચાર ઘટાડવા કેગ ઓડિટનો નિર્ણય કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ અસંતોષ સામે આવ્યો હતો. આ અસંતોષને ડામવા માટે ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે પણ લંબાણ પૂર્વકની ચર્ચાઓ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રણનીતિ તૈયાર કરવામાં આવી છે. તેમજ ખેડૂતોની સમસ્યા, બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.