ગુજરાતમાં કોંગ્રેસનું વચન, સરકાર બનશે તો ખેડુતોના 3 લાખ સુધીના દેવા માફ, 10 કલાક વીજળી ફ્રી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિના બાકી રહ્યા છે, ત્યારે મતદારોને રિઝવવાના રાજકીય પક્ષોએ પ્રયાસો શરૂ કર્યા છે. આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી આપવા સહિત અનેક વચનો આપ્યા બાદ કોંગ્રેસે પણ મતદારોને વચન આપ્યું છે. કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડુતોનું રૂપિયા ત્રણ લાખ સુધીનું કરજ માફ કરાશે, ઉપરાંત ખેડુતોને 10 કલાક ણફત વીજળી અપાશે.
ગુજરાત કૉંગ્રેસ તરફથી પણ શુક્રવારે ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી હતી. કૉંગ્રેસે જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કરાશે. આ ઉપરાંત દિવસે ખેડૂતોને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
ચૂંટણી પહેલાં નવા સંકલ્પપત્ર-ચૂંટણીઢંઢેરાની શુક્રવારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરતાં કોંગ્રેસ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપનાં 27 વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વીમા સહિતના અનેક હક્કો ભાજપે ઝૂંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિક્ષેત્રમાં દેશનું અવલ્લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે રેવડીના નામે ભાજપ આજે પોતે દિલ્હીથી આવેલી પોતાની જ ”બી ટીમ” સાથે રેવડી કલ્ચરના નામે ”મિલીઝુલી કુસ્તી” ખેલી રહી છે. કોંગ્રેસે રજૂ કરેલા ખેડૂતો માટેના 11 મુદ્દાનો સંકલ્પપત્ર દેશના છતીસગઢ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ જેવાં અનેક રાજ્યો અમલ કરી ચૂક્યાં છે. આ સંકલ્પપત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દ્વારકા શિબિરમાં ચર્ચાયેલા ”દ્વારકા ઘોષણા પત્ર”ના બાકીના મુદ્દાઓની જાહેરાત હવે પછી તબક્કાવાર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા ભાજપનું મિશન 150 ફેલ કરવા માટે ચૂંટણીના ઉમેદવાર વહેલા જાહેર કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે. આ રણનીતિ અનુરૂપ કોંગ્રેસ આગળ પણ વધી રહી છે અને ઉમેદવારોનાં નામની યાદી તૈયાર કરીને મોવડીમંડળને મોકલી પણ દેવામાં આવી છે. મોવડીમંડળ દ્વારા હવે નામ પર મહોર મારવામાં આવશે કે તાત્કાલિક જ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેશે. જોકે ઉમેદવાર જાહેર કરવાની પ્રક્રિયામાં પણ કોંગ્રેસે ચાલુ વખતે અલગ રણનીતિ અપનાવી છે. ત્રણ અલગ અલગ કેટેગરીમાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરવાની સ્ટ્રેટેજી કોંગ્રેસ અજમાવી રહી છે.