Site icon Revoi.in

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું

Social Share

ગાંધીનગરઃ  દેશભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના સૂત્ર સાથે ધરણાના કાર્યક્રમો યોજાયા હતા. જે અન્વયે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજી કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે ગાંધીનગર સેક્ટર – 6 સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસની મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો તેમજ આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે વિરોધ કર્યો હતો.

દેશભરમાં વધતી જતી મોંઘવારી તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કથિત રીતે પીએમ વિરુદ્ધ કરેલી ટ્વિટના આરોપસર આસામ પોલિસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ જેવા વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ 33 જિલ્લા અને 8 મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં ‘લોકશાહી બચાવો સંવિધાન બચાવો’ હેઠળ આંદોલન, ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે,  બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીકલ 14 અને 15 માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેશના તમામ લોકોને એકસમાન અધિકાર મળ્યા છે. જેમાં કોઈપણ જાતિ, ધર્મ કે વર્ગ કે લીંગના ભેદભાવ સિવાય તમામ લોકોને નાગરિકતા મળે છે અને આજ આપણી એકતા અને અખંડિતતાની જે સંસ્કૃતિ છે તે અખંડિત છે. પરંતુ આ વિધેયકની જોગવાઈ બંધારણ આર્ટીકલ 14 અને 15 સદંતર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરુ કર્યા છે.