જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજકિય પક્ષો અને સરકારની યોજનાના પ્રચાર માટે લગાવેલા પોસ્ટર્સ, બેનર્સ વગેરે ઉતારવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હજી પણ સરકારી હોર્ડિગ્સ જોવા મળી રહ્યા છે અને આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવ્યો નથી. વિધાનસભા 2022ની ચૂંટણી આચાર સંહિતા લાગુ હોવા છતાં પણ ભાજપ અને આપના પ્રચાર પ્રસારના બેનરો હજુ પણ ઉતારવામાં આવ્યા નથી. જામનગરમાં કાલાવડ શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં હજુ પણ બેનરો લગાડેલા જોવા મળી રહ્યા છે. આ અંગે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરાશે .
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે આખરે આદર્શ આચાર સંહિતા શું છે અને તેનો ભંગ કરવા સામે કેવા કેવા દંડ઼નાત્મક પગલાં લેવાઈ શકે છે. આદર્શ આચાર સંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતા લાગુ કરે કે તરત જ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે. જો ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે, તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે FIR નોંધાવી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ જવું પડે છે.
જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચાર સંહિતા લાગુ થાય છે. આચાર સંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે ગેરઉપયોગ ન કરી શકે. આદર્શ આચાર સંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ. જેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન, શોભાયાત્રાઓ, રેલીઓ, મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે. જામનગરમાં રાજકિય પક્ષોના હોર્ડિંગ્સ,બનર્સ વગેરે જોવા મળતા કોંગ્રેસે વિરોધ કર્યો છે. અને નિષ્પક્ષરીતે આચારસંહિતાનું પાલન કરાવવાની રજુઆત કરી છે.