Site icon Revoi.in

S Tની એકસ્ટ્રા બસોમાં સવા ગણું ભાડું વસુલવા સામે કોંગ્રેસનો વિરોધ

Social Share

 

અમદાવાદઃ   દિવાળીના તહેવારોમાં એસ.ટી. દ્વારા એકસ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતા 1.25 ગણુ  ભાડું વસૂલાતની ભાજપા સરકારની લૂંટ નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ દ્વારા નિગમ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈને 8340 વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેને આવકારીએ છીએ પરંતુ આ એકસ્ટ્રા બસોમાં ખાનગી બસોની જેમ એસ.ટી તંત્ર દ્વારા પણ મુસાફરો પાસેથી ગરજનો ભાવ હોય એ પ્રકારે ઉઘાડી લુંટ ચલાવવામાં આવશે તે કેટલે અંશે વ્યાજબી?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એસટી નિગમ દ્વારા  દરેક શહેરોમાં એકસ્ટ્રા બસોમાં અવર-જવર કરનારા મુસાફરો પાસેથી 25 થી 45 રૂપિયા જેવો ભાડા વધારો ઠોકી બેસાડવામાં આવ્યો છે. “રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ એસ.ટીમાં જ્યારે ભાડા વધારો કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે મુસાફરોને ઓછા મુસાફરી ભાડામાં આધુનિક ઇન્સ્ફાસ્ટ્રક્ચર સાથે સારી સવલતો આપવા રાજ્ય સરકાર એસ.ટી કટિબધ્ધ છે” ત્યારે ઓછા ખર્ચે સારી સુવિધા આપવી ઘટે આ પ્રકારે તોતિંગ ભાડા વધારો કરી ત્યારબાદ એકસ્ટ્રા બસોમાં ઉઘાડી લુંટ કરી મુસાફરોના ખિસ્સા ખંખેરવાની નીતિથી મોંઘવારીમાં પરેશાની ભોગવતી જનતા માટે કેટલા અંશે વ્યાજબી ? રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી એકસ્ટ્રા બસોના ભાડા વધારાનો નિર્ણય રદ કરી ભાડા વધારાનાં બોજમાંથી રાજ્યના 25 લાખ મુસાફરોને મોંઘવારીના કપરા સમયમાં રાહત આપે તેવી કોંગસ દ્વારા માગ કરવામાં આવે છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ મુસાફરોના હિતને ધ્યાનમાં લઇ અને કામ કરતી નિગમની સેવા સંસ્થા છે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરવાનો ઉદ્દેશ્ય છે. રાજ્યમાં એસટીમાં રોજ 25 લાખ મુસાફરો અવરજવર કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ડીઝલના ભાવો વધવાને પગલે એસ.ટીમાં 25% જેવો તોતિંગ ભાડા વધારો કરવામાં આવ્યો હતો. જે પગલે એસ.ટી નિગમને 687.42 કરોડ વાર્ષિક માતબર રકમ મળવાપાત્ર થઈ હતી ડીઝલના ભાવમાં ઘટાડો છતાં એસ.ટી નિગમ દ્વારા કોઈ જાતનો ભાડા ઘટાડો કરવામાં આવ્યો નથી જે પગલે એસ.ટી ને અંદાજે વાર્ષિક 1200 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મુસાફરોના ખિસ્સામાંથી વસૂલે છે. એક સમયે એસ.ટી નું સૂત્ર હતું “હાથ ઊંચો કરો અને બસમાં બેસો” પરંતુ આજે એસટી નું સૂત્ર “ખિસ્સા ખંખેરો અને બસમાં બેસો” તેવું થાય છે. “એસ.ટી અમારી મોંઘી સવારી” બનતી જાય છે.

રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનના જાહેર ઉત્સવો, ભાજપાના પક્ષીય કાર્યક્રમ-સભામાં ભીડ એકત્ર કરવા શાસકોની ચમચાગીરીમાં મુસાફરોને રઝડાવી ને જે એસ.ટી.ની બસો રાજકીય રીતે ઉપયોગમાં લેવાય હતી તેના આજની તારીખે અંદાજે 45 કરોડ જેવી રકમ રાજ્ય સરકાર પાસે લેણી નીકળે છે. ત્યારે શાસકો પહેલા તો આ કરોડો રૂપિયાની જે રકમ બાકી તે એસ.ટી નિગમને જમા કરાવે તો એકસ્ટ્રા બસોમાં ભાડા વધારાની આવશ્યકતા રહેશે નહીં.