Site icon Revoi.in

વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી, ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયો

Social Share

વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે માસ-મિલકતોને સારૂએવું નુકશાન થયું હતું. સ્થાનિક લોકોને પીવાના પાણી, શાકભાજી અને ભોજન માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો. રાજકીય પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા કોઇ મદદ કે સહાય ન મળતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે શહેરમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટ અને બેનરો સાથેની રેલી કલેક્ટર ઓફિસ પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા લોકો અને કાર્યકરોને અંદર જતાં રોકવામાં આવ્યા હતાં. જે બાદ માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માગ સાથે કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જે બાદ કલેક્ટર ઓફિસે જ રેલી પૂર્ણ કરવામાં આવી હતી.

રાજ્યમાં ભારે વરસાદના લીધે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જેના લીધે સ્થાનિક લોકોને પીવાના પાણી, શાકભાજી અને ભોજન માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો. રાજકીય પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા કોઇ મદદ કે સહાય ન મળતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે પૂરના પાણી ઓસરતાં ભાજપના મંત્રીઓ વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે આવ્યા ત્યારે પિકનિક કરવા આવ્યા હોય એમ ડમ્પર પર સવારી કરવા નિકળ્યા હતા જેથી નેતાઓની આકરી ટીકા અને અવગણના થઇ હતી. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ આક્રોશ રેલીમાં પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત વાસ્તવ સહિતના આગેવાનોએ બોટને ઉંચકીને રસ્તા પર ઉતરતાં લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું.

આજે કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી જન આક્રોશ રેલીમાં વિરોધ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્યૂબ અને બોટ લઇને રેલીમાં જોડાયા હતા. જેથી આ પ્રકારનો અનોખો વિરોધ લોકો માટે આકર્ષણ કેન્દ્ર બન્યો હતો. આક્રોશ રેલીમાં વડોદરાના સાંસદ અને ધારાસભ્યો રાજીનામા આપે અને ભ્રષ્ટાચારીઓને સજા કરો તેવી માંગણી કરતાં પોસ્ટરો જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સામે અનેક આક્ષેપો કર્યા હતા અને પોતાની માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.