Site icon Revoi.in

કોંગ્રેસ દ્વારા ધો.12 પછીના વિવિધ અભ્યાસક્રમની માહિતી આપતું પુસ્તક પ્રકાશિત કરાયું

Social Share

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા 17 વર્ષથી ધોરણ 12 ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉપયોગી બને તે માટે કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવે છે. આ પુસ્તિકા તૈયાર કરવાનો તમામ શ્રેય પ્રદેશના પ્રવક્તા અને શિક્ષણવિદ ડો. મનીષ દોશીને જાય છે. અને તેમના સહયોગથી આ વખતે સતત અઢારમાં વર્ષે  પણ કારકીર્દીના ઉંબરે ધો.12 પછી શું કારકીર્દી માર્ગદર્શક પુસ્તકનું પ્રકાશિત  કરાયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિમોચન કરતા જણાવ્યું હતું કે, ઉજજવળ કારકીર્દી અને સફળ જીવન માટે ધોરણ 10-12 પછી અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની હોય છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઠાકોરે  ગુજરાતના તમામ વિદ્યાર્થીને સચોટ સરળ માર્ગદર્શન માટેનું ભગીરથ અને પ્રસંશનીય કામ કરનારા પ્રવકતા ડો. મનીષ દોશી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ શુભેચ્છા પાઠવીને આ પુસ્તિકા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે માર્ગદર્શક બની રહેશે તેમ જણાવ્યું હતું, આ પ્રસંગે  પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓને ઉજજવળ કારકીર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા માટે ગુણવત્તાસભર શિક્ષર મળે તે અતિ આવશ્યક છે. કારકીર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ધો.12 પછી અભ્યાસક્રમોની અનેક તકો ઉપલબ્ધ છે ત્યારે સમયસર અને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. કોંગ્રેસે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકીર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થા સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે 200થી વધુ અભ્યાસક્રમની વિગતો સાથે વિશેષ કારકીર્દીના અભ્યાસક્રમોની માહિતીનો સમાવેશ કરાયો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે 40થી વધુ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી તેમજ દેશમાં આગામી સમયની માગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતોનો સમાવેશ કરાયો છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ વિશેષત: અંગ્રેજી ભાષામાં માહિતીનો સમાવેશ કરાયો છે.

ડો. મનીષ દોશીએ ઉમેર્યું હતું કે, નવા નવા અભ્યાસક્રમો  જે રાજયમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી પ્રવેશ પરીક્ષા અને બને ત્યાં સુધી જુદી જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થી માટે એકસ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિ. (ઈગ્નુ) અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ની વિગત પણ અપાઈ છે. શિક્ષણ માટે એજયુકેશન લોન અને સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે ‘કારકીર્દીના ઉંબરે’ ધો.12 પછી શું? માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.gujaratcongress.com અને www.careerpath.info ઉપર ઉપલબ્ધ થશે. સાથોસાથ પુસ્તકની પીડીએફ સરળતાથી મળી રહે તે માટે કયુઆર કોડ સ્કેન કરીને પણ ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે.