કોંગ્રેસમાં પણ ચૂંટણીને લઈ ધમધમાટ, રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે,
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલ તો દર અઠવાડિયો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પણ ગુજરાતના પ્રવાસો વધી ગયા છે. તેમજ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આગામી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હોવા છતાં કોંગ્રેસને તૂટતી બચાવવા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીની જેમ કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારો જાહેર કરશે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે. જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક કરશે.4 તારીખે સ્ક્રિંગ કમિટીના સભ્યો આવશે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાશે.15 તારીખ પહેલા કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.
કોંગ્રેસના સુત્રોએ ઉમેર્યુ હતું કે, રાહુલ ગાંધી સ્ક્રીનીંગ કમિટીનાં સભ્યો અને ઈલેકશન કમિટીનાં સભ્યો સાથે ચર્ચા વિચારણા કરાશે અને ઉમેદવારી પસંદગી અંગે ચર્ચા કરશે.પ્રથમ લિસ્ટ એવા ઉમેદવારોનું હશે જ્યાં વર્ષોથી કોંગ્રેસ હારતી આવી છે, અને એવા પણ ઉમેદવારો હશે જેના સિવાય પાર્ટી પાસે કોઈ વિકલ્પ નથી. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ તેના એક સપ્તાહ બાદ બીજી યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને માત્ર પ્રચાર કરવાનો રહેશે. બુથ મેનેજમેન્ટ અને બુથ પર કોને મૂકવા ક્યાં સભા કરવી સહિતની બાબતોમાં ઉમેદવારો દખલગીરી નહીં કરી શકે. વહેલી યાદી જાહેર કરી ઉમેદવારોને પ્રજા વચ્ચે જઈ પ્રચાર શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવશે.
કોંગ્રેસને માત્ર ભાજપનો પડકાર નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ આ વખતે ફુલ ફોર્મમાં દેખાઈ રહી છે. વારંવાર દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ કમરી કસી લીધી છે. તેના ભાગરૂપે કોંગ્રેસે પ્રદેશ સમિતિમાં 39 નેતાઓનો સમાવેશ કર્યો છે.આ સાથે જ કોંગ્રેસ છોટા ઉદેપુર, ભરુચ શહેર તથા ગીર સોમનાથમાં જિલ્લામાં અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષના નામની પણ જાહેરાત કરી છે.સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલએ પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જ સાહિતના આગેવાનો સાથે આગમી ચૂંટણીને લઈ રણનીતિ ઘડી હતી.