Site icon Revoi.in

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે CM ચન્નીના જ નૈતૃત્વમાં જ મેદાનમાં ઉતરવું જોઈએ, સર્વેમાં ખુલાસો

Social Share

દિલ્હીઃ પંજાબમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નૈતૃત્વમાં ચૂંટણી લડશે. બીજી તરફ અત્યારે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 42 ટકા જનતાએ કોંગ્રેસે ચન્નીના જ નૈતૃત્વમાં ચૂંટણી લડવી જેવો સૂર વ્યક્ત કર્યો હતો. જ્યારે 23 ટકા લોકોએ નવજોતસિંહ સિદ્ધુ ઉપર પસંદગી ઉતારી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદની રેસ તેજ થઈ ગઈ છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વમાં ચૂંટણી લડશે, પરંતુ ચૂંટણી પછી પાર્ટી સીએમ નક્કી કરશે. બીજી તરફ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સતત કહી રહ્યા છે કે પંજાબને આ વખતે જાનનો વરરાજા બનાવો પડશે. આમ સિદ્ધુ કોંગ્રેસ પાર્ટી પર દબાણ બનાવી રહ્યા છે.

પંજાબની જનતા સમક્ષ કોંગ્રેસે આવનારી ચૂંટણી કોના ચહેરા પર લડવી જોઈએ તેને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે પંજાબમાં કોંગ્રેસ કોના ચહેરા પર લડશે, તો 42 ટકા લોકોએ કહ્યું કે કોંગ્રેસે સીએમ ચન્નીના ચહેરા પર ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઈએ. બીજી તરફ 23 ટકા લોકો નવજોત સિંહ સિદ્ધુના ચહેરા પર ચૂંટણી લડવા માટે રાજી થયા હતા. જો કે, માત્ર 23 ટકા લોકોએ કહ્યું કે કોંગ્રેસે આ બંનેના ચહેરા પર ચૂંટણી ન લડવી જોઈએ, જ્યારે 12 ટકા લોકોએ કહ્યું કે તેઓ જાણતા નથી.

પંજાબમાં આ વખતે ઓપિનિયન પોલમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરતી જોવા મળી રહી છે. ઓપિનિયન પોલમાં કોંગ્રેસ બીજા નંબરે છે. બીજી તરફ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ વચ્ચે ગઠબંધનની જાહેરાત બાદ મુકાબલો વધુ રસપ્રદ થતો જોવા મળી રહ્યો છે. જો કે, પંજાબમાં કઈ પાર્ટી સરકાર બનાવશે તે તો પરિણામો જાહેર થયાં બાદ જ જાણી શકાશે.