અમદાવાદઃ ટ્વીટર પર ટ્વીટ કરવાના કથિત મામલે વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ શાસિત આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુરૂવારે અમદાવાદના સારંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 12 વાગ્યે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. તે પહેલાં સારંગપુર ખાતે ACP, PI સહિતનો પોલીસ કાફલો અને અટકાયત કરવા માટે 10 જેટલી પોલીસનો ગાડી તૈનાત કરવામાં આવી હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો બાબા સાહેબની આંબડેકરની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા. પોલીસ અટકાયત કરવા આવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ધરણા પર બેસી ગયા હતા. પોલીસે એક બાદ એક નેતાઓની અટકાયત શરૂ કરી હતી. મહિલાઓ રોડ પર બેસી ગઈ હતી. તેમજ યુથ કોંગ્રેસે સારંગપુર ચાર રસ્તાનો રસ્તો રોકી લીધો હતો. મેવાણીની ધરપકડના વિરોધમાં રાજ્યમાં અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો યોજાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ આસામની પોલીસ જ્યારે કોંગ્રેસના ધારાસભ્યને પકડવા ગઈ ત્યારે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે મને એફઆઈઆરની નકલ આપી નથી, પણ એવું કહ્યું છે કે તમે એક ટ્વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે, આથી તમારી ધરપકડ કરવામાં આવે છે. ટ્વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી. મેં ટ્વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જોઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે. મને પહેલેથી કોઈ જાણ કરાઈ નથી. પરિવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી. હું લડત આપનારી વ્યક્તિ છું. આવા કેસથી હું ડરવાનો નથી.
કોંગ્રેસ પ્રદેશ-પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મધરાતે 3.30 વાગ્યે જિજ્ઞેશ મેવાણી સાથે મુલાકાત કરી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે ‘લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે. ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે, પરંતુ અમે ડરીશું નહિ લડીશું.’ આ સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી પણ જિજ્ઞેશને મળવા એરપોર્ટ પહોંચ્યા હતા.