મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસથી કોંગ્રેસ નારાજ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દેશભરમાં સતત રેલીઓ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં રેલી કરી હતી. આ રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસે ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.
ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ ભાજપના નેતાઓને ‘મુક્તપણે’ ફરવા દેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાજેશ રાઠોડે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી દાવો કર્યો હતો કે, ‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું કેરળમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી બિહારના સમસ્તીપુરમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં હેલિકોપ્ટરની આસપાસ પોલીસ કર્મચારીઓ જોવા મળે છે.
દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આવતીકાલે સોમવારે ચોથા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સોમવારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ હજુ 3 તબક્કામાં મતદાન યોજાવાનું છે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.