M S યુનિમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની અનામતને હટાવાશે તો કોંગ્રેસ આંદોલન કરશે
વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણતી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અનામતની જોગવાઈ છે. પરંતુ પ્રવેશની આ નીતિને હટાવી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને યુનિવર્સિટીના સત્તાધિશોને એવી ચીમકી પણ આપવામાં આવી છે, કે જો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત હટાવવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે.
વડોદરાની એમ એસ યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને પત્ર લખીને વડોદરા શહેર અને જિલ્લાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 70 ટકા પ્રવેશ અનામત ચાલુ રાખવા માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે ગદ્દારી કરી છે. જો અનામતને હટાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરાશે.
એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે, વડોદરા શહેર અને જિલ્લાના 8 તાલુકાના સ્થાનિક વિદ્યાર્થીઓની બેચલર અને માસ્ટર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 70 ટકાથી વધારે બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત છે, એમાં કોઈપણ ફેરફાર કરવો જાઈએ નહીં, પ્રવેશની નીતિમાં કોઈપણ પ્રકારના બહાના હેઠળ ચેડા ન કરશો, નહીંતર ઉગ્ર આંદોલન થશે. એમ.એસ. યુનિવર્સિટીને સરકારે કોમન યુનિવર્સિટીમાં સામેલ કરી છે. ભાજપ નેતાઓએ એમ એસ યુનિનું સરકારીકરણ કરીને વડોદરાની પ્રજા સાથે ગદ્દારી કરી છે. તેને વડોદરા ક્યારેય માફ નહીં કરે. હવે ભાજપ વિદ્યાર્થીઓનું શિક્ષણ છીનવવા માગે છે, તે ક્યારેય ચાલવી નહીં લેવાય. હવે ઉગ્ર આંદોલન થશે.
રાવતે જણાવ્યું હતું કે, ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં 70 ટકા લોકલ અને બહારના 5 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ આપાયો હતો. સાયન્સમાં લોકલ અને બહારના વિદ્યાર્થીઓ માટે 50-50 ટકાનો ક્વોટા હોય છે. 10થી 30 ટકા બેઠકો પર વડોદરા બહારને વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે એફ. વાય.માં ઓછા વિદ્યાર્થીઓને એડમિશન બાબતે હોબાળો થયો હતો. ગત વર્ષે અમે સેનેટ સભ્યોએ વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી સત્તાવાળા સમક્ષ વિરોધ અને ઉગ્ર રજૂઆત કરી હતી. જે બાદ 5800 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે વડોદરા શહેર અને જિલ્લામાં ધો.12 કોમર્સમાં 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેથી કોમર્સમાં પ્રવેશમાં મુશ્કેલી થશે.