ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ, ખાસ રણનીતિ તૈયાર કરાશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને આ ચૂંટણીમાં કોગ્રેસે વર્ષ 2014ની સરખામણીએ વધારે બેઠકો ઉપર જીત મેળવી છે. કોંગ્રેસના આ પ્રદર્શનથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં નવા પ્રાણ ફુકાયાં છે. હવે આગામી દિવસોમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી લીધી છે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આ મામલે આગામી તા. 24મી જૂનથી બેઠકોનો દોર શરૂ કરશે. કોંગ્રેસ ઝારખંડની રણનીતિ તૈયારી કરવાની સાથે બેઠકોનો દોર શરૂ કરશે. 25મી જૂનના રોજ મહારાષ્ટ્ર અને 26મી જૂનના હરિયાણાના નેતાઓ સાથે મુલાકાત કરશે. જ્યારે જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે 27મી જૂનના રોજ બેઠક યોજીને રણનીતિ તૈયાર કરશે. હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે.
કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરિણામ આવ્યાં છે તે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં તેને જાળવી રાખવામાં આવશે. આ ચૂંટણીની રણનીતિ ઘડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી જે તે રાજ્યોના સિનિયર નેતાઓ સાથે મીટીંગ કરશે. દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ આંધ્રપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ વાય.એસ.શર્મિલા સાથે મુલાકાત કરી હતી. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને વધારે મજબુત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પરિણામ સંતોષકારક રહ્યું ન હતું. તેમ છતા રાજ્યમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે વાય.એસ.શર્મિલા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.