સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પરાજયનું કોંગ્રેસ કરશે મનોમંથન, પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત
અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. જેથી પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. દરમિયાન આગામી દિવસોમાં જ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય અંગે મનોમંથન કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તાજેતરમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે પ્રભારી રાજીવ સાતવને બદલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હતી. કોંગ્રેસના પરાજ્યથી હાઈકમાન્ડે સ્થાનિક નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
દરમિયાન કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મનોમંથન કરવામાં આવશે. આગામી સમયમાં કેવી રીતે ચૂંટણીમાં સફળતા મળે તે અંગે ચર્ચા વિચારણા કરી ધારાસભ્યોને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે. આ ચિંતન બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખને લઈ પણ ચર્ચા વિચારણા કરવામા આવશે અને નવા વિપક્ષી નેતાની પસંદગી પણ કરવામાં આવે તેવી શકયતા છે.