અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જો, જિલ્લા – તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખોને સંબોધન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી ચૂંટણી લડશે અને જીતશે. પૂજ્ય મહાત્મા ગાંધી – સરદારના ગુજરાતમાં આજે એવા લોકો ચૂંટણી પ્રચાર કરવાની હિંમત કરી રહ્યાં છે જેમને પોતાના રાજ્યોની સરકારી ઓફીસમાંથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની તસ્વીર હટાવીને ગુજરાતનું અપમાન કર્યું છે. 27 વર્ષથી કોંગ્રેસ પક્ષની ગુજરાતમાં સરકાર ન હોવા છતાં પ્રજાના અવાજને મજબુતાઈથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો હિંમતભેર ઉઠાવી રહ્યાં છે. ગુજરાતનાં લોકો આવા તકવાદી લોકોની છેતરામણી જાહેરાતો – વાયદાઓ પર વિશ્વાસ નહી કરે. કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શાળા-કોલેજો, આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, ખેડૂતલક્ષી, સિંચાઈ, બંદરો, જી.આઈ.ડી.સી., મોટા ઉદ્યોગો, રોડ-રસ્તા, સહિત વિવિધ કરેલા વિકાસના કામો બોલે છે. અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ પ્રજાલક્ષી યોજનાઓ લાવી ગુજરાતમાં જનતા સરકાર પ્રસ્થાપિત કરશે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, નિરીક્ષકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની હિંમત તેના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતને લઈને કટિબધ્ધ છે. એટલા માટે જ કોંગ્રેસના સૌથી સિનિયર અને અનુભવી અશોક ગેહલોતજીને ગુજરાતમાં સીનીયર નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યાં છે. ભાજપ EDનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે, ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે. ગુજરાત કોંગ્રેસ તમામ 182 બેઠકો મજબુતાઈથી લડશે.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલજી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં બંધારણ, લોકશાહી ખતરામાં છે ત્યારે દેશને એકતાંતણે જોડવા માટે કોંગ્રેસપક્ષ દ્વારા સમગ્ર દેશમાં સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધીજી, પ્રિયંકાજીના નેતૃત્વમાં 7મી સપ્ટેમ્બરથી “ભારત જોડો” યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી તેમજ ભારત જોડો કાર્યક્રમના અનુસંધાને તા.5મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ એવા રાહુલ ગાંધી ગુજરાત આવશે અને કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના કાર્યકરો અને બુથની જવાબદારી સંભાળતા સાથીદારોને સંબોધન કરશે.
વિધાનસભા 2022ની ચૂંટણી અંગેની વિશેષ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખો ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી મધુસુદન મિસ્ત્રી, રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ, બી.એમ. સંદીપ, રામકિશન ઓઝા, ઉષા નાયડુજી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, મોહનસિંહ રાઠવા, રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષો ધારાસભ્યો, પ્રદેશના પદાધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.