દિલ્હી: તેલંગાણાના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, ડીકે શિવકુમાર હાજર છે. નિરીક્ષક તરીકે ડીકે શિવકુમારે સોમવારે તેલંગાણામાં ધારાસભ્યો સાથે વાત કરી હતી.અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જ લેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું કે પાર્ટી તેલંગાણાના નવા મુખ્યમંત્રીના નામ પર આજે નિર્ણય લેશે. આ પહેલા સોમવારે કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રી માટે પાર્ટી અધ્યક્ષને અધિકૃત કરવામાં આવ્યા હતા. ધારાસભ્યોએ સર્વસંમતિથી કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ જે કોઈને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરશે તેને બધા સ્વીકારશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેલંગાણા કોંગ્રેસના ઘણા નેતાઓ મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે પરંતુ રાજ્ય કોંગ્રેસ સમિતિ (પીસીસી) અધ્યક્ષ અનુમુલા રેવંત રેડ્ડી મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. અનુમુલા રેવન્ત રેડ્ડી કોડંગલ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.તેમણે BRS નેતા કેપી નરેન્દ્ર રેડ્ડીને 32 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. રેડ્ડીએ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. તેઓ એક બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા હતા, જો કે, તેઓ કોડંગલથી જીતીને વિધાનસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા. જો તેઓ મુખ્યમંત્રી બનશે તો રાજ્યમાં સત્તા સંભાળનાર કોંગ્રેસના પ્રથમ નેતા હશે.
તેલંગાણામાં કોંગ્રેસ રાજ્યની રચના બાદ પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસે 10 વર્ષથી સત્તામાં રહેલા કેસીઆરને ખરાબ રીતે હરાવ્યા છે. BRSના મોટાભાગના ધારાસભ્યો ચૂંટણી હારી ગયા. રાજ્યમાં 30 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 119 વિધાનસભા બેઠકોમાંથી 64 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે BRSને 39 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપને 8 બેઠકો મળી છે