રાજસ્થાનમાં ફરી કોંગ્રેસ સરકાર બનાવશે, સચિન પાયલોટે વ્યક્ત કર્યો વિશ્વાસ
જયપુર, કોંગ્રેસના નેતા સચિન પાયલોટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં ફરી એકવાર કોંગ્રેસની સરકાર બનશે. પોતાના મતવિસ્તાર ટોંકમાં મીડિયા સાથે વાત કરતા પાયલોટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી ફરી સરકાર બનાવશે. આ સાથે પાયલોટે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ચિંતિત છે કારણ કે તેમના સ્થાનિક નેતૃત્વ અભિયાનમાં કોઈ તાકાત દેખાઈ રહી નથી. ચૂંટણી પ્રચાર માટે દિલ્હીના નેતાઓ આવી રહ્યા છે, તમામ મંત્રીઓ, વડાપ્રધાન પણ આવી રહ્યા છે, તેમ છતાં તેમને જનતા તરફથી કોઈ પ્રતિસાદ નથી મળી રહ્યો.
પાયલોટે આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓ લોકોને વિભાજિત કરવાની માનસિકતાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, પરંતુ જનતા બુદ્ધિશાળી છે અને આ બાબતોમાં ફસાઈ જવાની નથી. તેમણે કહ્યું, “તેઓ ગમે તેટલી કોશિશ કરે, કોંગ્રેસ અહીં ઉપર રહેશે.” મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હિંસાના અહેવાલો પર, પાયલોટે આશા વ્યક્ત કરી કે ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરશે. પાયલોટે કહ્યું કે, ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થવી જોઈએ, લોકશાહી આપણા દેશમાં તહેવારની જેમ છે, દરેકને મતદાન કરવાનો અધિકાર છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 25 નવેમ્બરે મતદાન થવાનું છે જ્યારે મતગણતરી 3 ડિસેમ્બરે થશે.
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને પગલે પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી.નડ્ડા સહિતના ભાજપના નેતાઓ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ જંગી સભાઓ અને રેલીઓને સંબોધવામાં આવી રહી છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.