હરિયાણામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશેઃ ભૂપેન્દ્ર હુડ્ડા હુંકાર
નવી દિલ્હીઃ ચંદીગઢ વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયા બાદ આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વલણમાં જ 90 બેઠકો પૈકી 50 બેઠકો ઉપર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી હરિયાણામાં પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. વલણો અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) અડધાથી વધુ બેઠકો જીતતી જોવા મળી રહી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હુડ્ડાએ રોહતકમાં પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ “બહુમતી” મેળવશે.
પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટીને સરકાર બનાવવા માટે કોઈ સમર્થનની જરૂર પડશે, તેમણે પુનરોચ્ચાર કર્યો કે કોંગ્રેસ પોતાની રીતે સરકાર બનાવશે. તેમણે કહ્યું, “આનો શ્રેય રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓને જાય છે.” તેમણે એમ પણ કહ્યું કે, વાસ્તવિક શ્રેય હરિયાણાના લોકોને જાય છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ તાજેતરના વલણો અનુસાર, ભાજપ હરિયાણામાં 49 બેઠકો પર આગળ છે, જે 90 સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો વટાવે છે. કોંગ્રેસ 35 બેઠકો પર આગળ છે, અપક્ષો પાંચ બેઠકો પર આગળ છે, બહુજન સમાજ પાર્ટી (BSP) અને ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD) એક-એક બેઠક પર આગળ છે.