અમદાવાદઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંસદ ભવનમાં હોબાળો અને વિરોધ પ્રદર્શન કરવા બદલ 141 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેના વિરોધમાં ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં આજે તા. 22મીને શુક્રવારે ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે.
ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોમાં યોજાનારા વિરોધ પ્રદર્શન અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સંસદ પણ અસલામત છે. ભાજપાની તાનાશાહી માનસિકતા લોકશાહી માટે ખતરારૂપ છે. દેશના મૂળ પ્રશ્નો મોંઘવારી, બેરોજગારી, વધતી જતી અસમાનતા, મહિલા સુરક્ષા સહિતના અનેક મોરચે નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર લોકશાહીના મંદિર એવા સંસદ ગૃહમાં પ્રશ્ન પૂછનાર સાંસદોને જવાબ આપવાને બદલે સસ્પેન્શન પકડાવીને જવાબ આપવાથી ભાગી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહી પરના કલંકિત હુમલામાં કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા આ નિર્લજ્જ કૃત્યે આપણી સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે. દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઈન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું છે અને 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે આજે શુક્રવારના રોજ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનનું આહવાહન કર્યું છે.
રાજ્યવ્યાપી જિલ્લા-શહેર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શન અન્વયે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલના નેતૃત્વમાં રૂપાલી સર્કલ પાસે, લાલ દરવાજા, અમદાવાદ ખાતે બપોરે 12 કલાકે ધરણા પ્રદર્શન યોજાશે. જેમાં સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો, વિવિધ સેલ-ડીપાર્ટમેન્ટના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. જિલ્લાઓમાં પણ ભાજપ સરકારની ઘમંડી નીતિ સામે વિરોધ કરવામાં આવશે.