અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસમાં નવા પ્રમુખ જગદીશ ઠાકોરની નિયુક્તિ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે સતત 7 કલાક સુધી ચાલેલી બેઠકમા કોંગ્રેસે આગામી એક વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કર્યો હતો તેમ બેઠક પૂર્ણ થયા પછી એક વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું હતુ. કે, આગામી એક વર્ષ સુધી પ્રજાના પ્રશ્નોને, લાગણીને વાચા આપીને ગુજરાતની પ્રજાને થતા અન્યાય સામે કોંગ્રેસ રોડ પર આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. નવા પ્રમુખ જોમ અને જુસ્સો બતાવી રહ્યા છે. પરંતુ તેમની પાસે સમય ઓછો અને કામગીરી કરવાની ધણી બાકી છે. કોંગ્રેસમાં નવા કાર્યકરોની સભ્ય નોંધણી, બુથ સમિતિઓ, તાલુકા અને જિલ્લાના સંગઠનને વધુ સક્રિય કરવા ઉપરાંત ભાજપ સરકાર સામે લોકોના પ્રશ્નો ઉજાગર કરવા સહિત અનેક કામો કરવા પડશે. જોકે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, અમે આગામી એક વર્ષનો રોડ મેપ નક્કી કરી દીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓની હાજરીમાં કોર કમિટીની એક બેઠક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મળી હતી. જે સતત 7 કલાક સુધી બેઠક ચાલી હતી, આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રજા મોંઘવારી, બેરોજગારીમાં પિંસાઇ રહીં છે. સામાન્ય વ્યકિત અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છે, પણ રોટલો રળવા માટે સરકાર સામે વિરોધ વ્યકત કરી શકતો નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ સામાન્ય નાગરિકની લાગણી અને અન્યાયને વાચા આપવા રોડ પર આવશે. સતત એક વર્ષ સુધી કેવા પ્રકારના કાર્યક્રમો આપવા, કેવા પ્રકારના આંદોલનો કરવા, તેની કોને જવાબદારી આપવી સહિતનું ઊંડાણપૂર્વકનું આયોજન કરાયું હતું.